અમદાવાદ: તલાટીની પરીક્ષામાં 3400 થી વધુ જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ રહી હોય અને કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય અને પેપર લીકની ઘટના ન બને તેના માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત અને પરીક્ષાની તૈયારી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીઓ માટે પણ પોલીસ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
તંત્રનું આયોજન: આ અંગે અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાનારી પરીક્ષાને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. IPL મેચ, તલાટી તેમજ યુ.જી.સી નીટની પરીક્ષાઓ એક જ દિવસે હોવાથી ઉમેદવારો સમયસર સેન્ટર સુધી પહોંચી શકે અને ટ્રાફિકમાં ન ફસાય તે બાબતો માટે પણ પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
બે પરીક્ષાઓ એકસાથે:અમદાવાદમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે 422 કેન્દ્રો પર દોઢ લાખ ઉમેદવાર પરીક્ષા આપશે જ્યારે UGC NEET ના 22 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. સાથો સાથ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ ઝોન વાઇઝ ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર અને જે તે વિસ્તારમાં ફરજ બતાવતા પોલીસ કર્મીઓના નંબર જાહેર કરાયા છે. જેથી કોઈ પણ ઉમેદવારને તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અગવડતા ન પડે.