અમદાવાદઃ ભારતમાં સદીઓથી ગૃહ ઉદ્યોગો હતા. જેઓ જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતા અને સ્થાનિક બજારોમાં વેચતા. તેના લીધે બે વસ્તુઓ થતી ભારતમાં થતા ઉત્પાદનનું વળતર પણ ઉત્પાદકોને મળી રહેતું અને બીજી તરફ નાગરિકોને સારી વસ્તુ પણ વાજબી ભાવે મળી રહેતી. પરંતુ જેવી રીતે 19મી સદીમાં અંગ્રેજોએ ભારતને ઔધોગિક દ્રષ્ટિએ આત્મનિર્ભરમાંથી પરાવલંબી દેશ બનાવી દીધો. ત્યારે ગાંધીજીએ ભારતને વિદેશી માલસામાનની ચંગુલમાંથી છોડાવવા ભારતીયોને સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવાનું સૂચન આપ્યું.
તેમાં પણ ગાંધીજીની 1920ની સ્વદેશી ચળવળથી 'ચરખો' દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યો. ત્યારે તેમના આર્થિક વિચારોને બંધારણમાં પણ સ્થાન આપી, આઝાદી બાદ ગામડાઓમાં નાના ઉધોગોને પ્રોત્સાહન આપવા ખાદી ગ્રામોદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. ખાદીનો સામાન્ય અર્થ કપાસ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ ખાદી સંપૂર્ણ સ્વદેશી છે. તે સમગ્ર ભારતના નાના ગામડાઓના લાખો કારીગરો અને મહિલાઓને સીધી રોજગારી પૂરી પાડે છે. સૌથી મહત્વની વસ્તુ છે કે, ખાદીમાં વપરાતી તમામ પ્રકારની વસ્તુઓ મોટાભાગે ઓર્ગેનિક હોય છે, તેમાં કેમિકલનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે. શરીર અને પર્યાવરણ બંનને ખાદીની પ્રોડક્ટ તંદુરસ્તી બક્ષે છે. બીજી તરફ હાથથી બનેલી વસ્તુઓની કદર જાણકાર વ્યક્તિઓ અને વિદેશીઓ વધુ કરે છે. ત્યારે એક્સપોર્ટ માટેનો રસ્તો ખુલી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ખાદી દ્વારા ડેનિમનું ઉત્પાદન પણ કરાય છે. જેનું વેચાણ દેશી અને વિદેશની કાપડની ખાનગી કંપનીઓને કરાય છે.
આ ઉપરાંત મોટાભાગની ઘર ઉપયોગી વસ્તુઓ પણ ખાદીની દુકાનેથી મળી રહે છે. જેમ કે ગામડામાંથી આવતું શુદ્ધ સિંગ કે તલનું તેલ, રસોઈના મસાલા, નાસ્તા, આયુર્વેદિક જડીબુટ્ટી યુક્ત સાબુ અને શેમ્પૂ, સુતરાઉ તેમજ રેશમ અને ઉનના કપડાં વગેરે. આત્મનિર્ભર ભારત અભિયાન પહેલા પણ ખાદીને પ્રોત્સાહન આપવા સરકાર વિવિધ પગલાં ભરી રહી છે. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા વસ્તુઓની વિશિષ્ટતાઓને આધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે, વાસમાંથી બનાવેલ પાણીની બોટલ, કુંભારોના ઉત્થાન માટે મોરબીમાં બનતા માટીના ફ્રિજ, ચા પીવાની માટીની કુલડીઓ અને કપડાઓ માટે રેલવે સાથે કરાર, ઓર્ગેનિક રંગોથી બનતું કુદરતી કપડું જે હજારો લીટર પાણી બચાવે છે, જુના કાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા કાગળ, પર્યાવારણનો બગાડ અટકાવે છે. આ કાગળ દ્વારા બનતી ફાઈલો 30 વર્ષ સુધી ટકી શકે છે.જે સરકારી કાર્યાલયોમાં વધુ ઉપયોગી થઈ શકે છે.