ગુજરાત

gujarat

ETV Bharat / state

સિવિલ હોસ્પિટલમાં 12 વર્ષની બાળકી પર ‘રેરેસ્ટ ઓફ ધ રેર સર્જરી’

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ કરોડરજ્જુની “પોસ્ટ લેમિનક્ટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી” બીમારીથી પીડાતી 12 વર્ષની સલોની પર સફળ સર્જરી કરી છે. પીઠના ભાગે 95 ડિગ્રી અંશે ખુંધ થઈ જતા તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતા તે છેલ્લા 6 મહિનાથી પથારીવશ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે બાળકી પર સફળ સર્જરી કરીને નવજીવન આપ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી

By

Published : Aug 12, 2020, 10:43 PM IST

અમદાવાદ: સલોની જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના પીઠના મણકામાં ગાંઠ થઈ હતી. જેને મેડિકલ ભાષામાં “ઓસ્ટિઓકોન્ડ્રામા” બીમારી કહેવાય છે. જે માટે ન્યુરોસર્જન દ્વારા “લેમિનેક્ટોમી” ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં મણકાના જે ભાગમાં ગાંઠ હતી તેની ઉપરનું અને નીચેનું સ્તર નિકાળી દેવામાં આવ્યું હતું તે સમયે સલોની પીડામુક્ત થઇ હતી, પરંતુ સર્જરી કર્યા બાદ ફિક્સેશન ન કરવાના પરિણામે સાત વર્ષ દરમિયાન ધીમે-ધીમે તેની ખુંધ વધતી ગઈ. સલોનીની ઉંચાઈ અને શરીરનો વિકાસ થતા મણકા તથા કરોડરજ્જુમાં વિકૃતિ આવતા તેની ખુંધ 95 ડિગ્રી અંશે વધી ગઈ હતી. જે વિકૃતિને કારણે કરોડરજ્જુ ઉપર દબાણ સર્જાતા તે પગના હલનચલનના નિયંત્રણ પર અસર થતા તે સંપૂર્ણપણે પથારીવશ થઈ હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી
સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શનનું ઓપરેશન ખૂબ જ જટિલ હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વાર આવા પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન ન્યુરો-મોનિટરીંગની પણ જરૂર પડે છે. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ ગંભીર થઈ શકે છે અને દર્દીને આઈ.સી.યુમાં પણ લઈ જવાની જરૂર પડે છે. તેમજ દર્દીના જીવને પણ જોખમ રહે છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં પણ ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.રાજસ્થાનના જોધપુરમાં રહેતા સલોનીના પિતા દિપકભાઈ માટે ખૂબ જ સ્થિતિ કઠિન બની ગઈ હતી. દિપકભાઈએ જોધપુરની એઈમ્સ હોસ્પિટલનો સંપર્ક કરતા તેઓએ પણ આ પ્રકારની સર્જરી માટે ના પડી દીધી હતી. ત્યારબાદ તેઓએ અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો જ્યાં આ ઓપરેશનનો ખર્ચ પાંચ લાખથી વધુ જણાવવામાં આવ્યો હતો. આર્થિક ભીંસનો સામનો કરી રહેલા દિપકભાઇ માટે આટલી ખર્ચાળ સર્જરી ચિંતાનો વિષય બની ગઈ છેલ્લે તેઓ સલોનીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી
દિપકભાઈ લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે, “દસ દિવસ પહેલા જ્યારે હું મારી દિકરીને લઈને સિવિલમાં આવ્યો ત્યારે મને આશા નહોતી કે આટલી ઝડપથી સાજી થઈ જશે. સફળ સર્જરી કરવા માટે હું સિવિલના તબીબો અને અન્ય મેડીકલ સ્ટાફનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તદ્દન નજીવા ખર્ચે ઓપરેશન કરવામાં આવ્યું છે”.સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ સલોનીના એક્સ-રે, સીટી સ્કેન, એમ.આર.આઈ સહિતના તમામ રિપોર્ટના આધારે ઓપરેશન કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જે.પી.મોદીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના વડા ડો. શૈલેષ શાહ અને તેમની ટીમ પણ મદદરૂપ બની હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી
સિવિલ ઓર્થોપેડિક વિભાગના વડા અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જે.પી.મોદી ઓપરેશન વિશે વિગતવાર જણાવે છે કે, “સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં આ પ્રકારની માત્ર 25થી 30 સર્જરી જ થઈ છે. આ ઓપરેશન માટે એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવ્યું તેમજ મેડીકલ રિસર્ચ આર્ટીકલનો પણ અભ્યાસ કર્યો હતો. રીવીજન સ્પાઈન સર્જરી- પોસ્ટ લેમિનક્ટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી સર્જરી ખૂબ જ જટીલ હોય છે. પહેલાથી ચોથા મણકાની વચ્ચે સલોનીને મણકાની ખુંધ હતી. ખુંધના કારણે જ્ઞાતતંતુઓ પર અંદરની તરફથી હાડકુ દબાણ કરતું હતું. આ જટીલ ઓપરેશન ચાર કલાક ચાલ્યુ હતું. 10 સ્ક્રુ નાખવામાં આવ્યા છે તેમજ ત્રીજા નંબરનો મણકો આખો નિકાળીને સર્જરી કરવામાં આવી છે”.આ સફળ સર્જરી થતા સલોની સંપૂર્ણપણે સ્વસ્થ્ય છે. 95 ડિગ્રી અંશે વધેલી ખુંધની આ સફળ સર્જરીના અંતે કરોડરજજુ પરનું દબાણ દૂર થતાં સલોની હવે સરળતાથી હલન-ચલન કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details