ગાંધીનગરઃ કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે, ત્યારે રાજ્યમાં જાહેર થયેલા રેડ ઝોન વિસ્તારને કોર્ડન કરીને આ વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવામાં આવશે.
તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. સાથે જ વતન જતા પરપ્રાંતિય લોકો અને આંતરરાજ્ય મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ પણ પાસ, મેડિકલ ચેકઅપ સહિતની કેન્દ્રની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે.
DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે રાજ્યના જે વિસ્તારો ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે. તે વિસ્તારો હાલ કોરોના વાઇરસથી ઓછા સંક્રમિત અને સલામત છે, ત્યારે આ ઝોનમાં પણ તકેદારી રાખવામાં નહીં આવે અને અન્ય ઝોનના અનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર થતી રહેશે. તો આ ઝોન પણ રેડ ઝોનમાં ફેરવાઇ જતાં સમય નહીં લાગે એટલે જ ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારમાં પણ પોલીસનું સખત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ સલામત ઝોનમાં પણ અધિકૃત વ્યક્તિઓને મંજૂરી વગર પ્રવેશ આપવામાં આવશે નહીં.
DGPએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પોતાનો વિસ્તાર ગ્રીન ઝોનમાં જ જાળવી રાખવો હોય તો દરેકે સતર્ક અને સાવધાન રહેવું પડશે. કોઈપણ બહારની વ્યક્તિને આપણા વિસ્તારમાં બોલાવીશું નહીં અને મેડિકલ ચેકઅપ વગર કોઈ અનઅધિકૃત વ્યક્તિને પોતાના વિસ્તારમાં પ્રવેશ આપીશું નહીં તો જ આપણો વિસ્તાર કોરોના સંક્રમિત થશે નહીં અને આપણે ગ્રીન ઝોનમાં જ રહીશું.
લોકડાઉન દરમિયાન બિનજરૂરી અવરજવર કરવા સહિતની સ્વયંશિસ્તની પણ એટલી જ આવશ્યકતા છે ત્યારે લોકોની બિનજરૂરી અવર જવર અટકાવવા તથા શાકમાર્કેટ અને કરિયાણાની દુકાનો પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુસર પોલીસ ખાસ પેટ્રોલિંગ કરશે.
ઉપરાંત પાસ કે મંજૂરી વિના આંતર જિલ્લા કે આંતર રાજ્યમાં અવરજવર ચલાવી લેવાશે નહીં. આવી વ્યક્તિઓ પર કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. વતનમાં જતા પરપ્રાંતીય લોકોએ તથા આંતરરાજ્ય મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ પણ કેન્દ્રએ જારી કરેલી ગાઈડલાઈન મુજબ પાસ તથા મેડીકલ ચેકઅપ સહિતની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
મરકઝથી ગુજરાતમાં આવેલા જમાતીઓ સંદર્ભે ઝાએ ઉમેર્યું કે, કર્ણાટકથી અલગ અલગ માલવાહક વાહનોમાં બેસીને લોકડાઉનનો ભંગ કરી વલસાડ ખાતે આવેલા વધુ ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેને ક્વોરેન્ટાઈન કરવા ઉપરાંત મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. સુરા જમાતના મરક્ઝથી ગુજરાતમાં લોકડાઉન ભંગ કરીને આવેલા વ્યક્તિઓ સામે અત્યાર સુધીમાં 22 ગુના નોંધવામાં આવ્યા છે.
ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 295 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 10,686 ગુના દાખલ કરીને 20,446 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 119 ગુના નોંધીને 137 લોકોની ધરપકડ કરાઈ હતી.
આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 2238 ગુના નોંધીને 3300 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે 20 ગુનામાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 460 ગુનામાં કુલ 622 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે આજ સુધીમાં 23 ગુનાની સાથે અત્યાર સુધીમાં 608 ગુના દાખલ કરીને 1282 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ 19 એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા 552 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વીડિયોગ્રાફી મારફતના 216 ગુના સહિત અત્યાર સુધીમાં કુલ 1902 ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના 62 સહિત આજદિન સુધીમાં કુલ 892 ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 81 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં636 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના 2568 ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના 1030 ગુના તથા અન્ય 592 ગુના દાખલ કરી કુલ 4130 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 8025 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,19,620 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે 7924 અને અત્યાર સુધીમાં 1,56,942 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.