અમદાવાદ : શહેરમાં શેરી, મહોલ્લા, પોળ, સોસાયટી કે, હાઇરાઇઝ બિલ્ડીંગમાં રહેતા લોકો સુધી પોતાનો અવાજ પહોચાડવા મોટી સંખ્યામાં ફેરિયાઓ મેગાફોન વાપરતા થઇ ગયા છે. જે શહેરમા ઘોંઘાટ ફેલાવતી નવી સમસ્યા છે. શહેરના દરેક વિસ્તારના માર્ગો પર ટેમ્પા, ઉંટલારી, બળદગાડા, હાથલારીઓમાં માલ ભરી શાકભાજી અને અન્ય સામગ્રી લઇને ઉભેલા લોકો હાથમાં પકડેલા મેગાફોનમાં બૂમો પાડી આવતા જતા લોકો ને આકર્ષવા પ્રયાસ કરે છે.
મેગાફોન દ્વારા માર્ગો મહોલ્લા પર ધ્વનિ પ્રદુષણ કરતા ફેરિયા - ધ્વનિ પ્રદુષણ કરતા ફેરિયા
શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા કે, એકદમ શાંત વિસ્તારોમાં એક નવા પ્રકારના ઘોંઘાટની સમસ્યા ઉભી થઇ છે. શાકભાજી વાળા, હરતા ફરતાં વાહનોમાં ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓ કે, રીપેરિંગનું કામ કરતાં લોકો ભીડ ભેગી કરવાનું મેગાફોન વાપરતા થઇ ગયા છે.
કેટલીકવાર રેકોર્ડિંગની સગવડતાવાળા આ ભૂંગળા સતત વાગ્યા જ કરતા હોય છે. રીપેરીંગનું કામ કરતાં લોકો કે, ફેરી કરી વસ્તુઓનું વેચાણ કરતાં લોકો ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો કે, એકદમ શાંત વિસ્તારોમાં લોકોને ભેગા કરવા ભૂંગળા એટલે મેગાફોન વાપરતા એક નવા પ્રકારના ધ્વનિપ્રદુષણથી લોકો પીડાઇ રહ્યા છે.
પહેલાંના સમયમાં ખભે ભૂંગળા ભરાવી માઇક વગાડી રાજકીય પાર્ટીઓ કે, સંગઠનો પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરતા હતા. હાલના સમયમાં બેટરી ચાર્જરવાળા રેકોર્ડિંગની સગવડ સાથેના ભૂંગળા મેગાફોનમાં બરાડા પાડી ફેરિયાઓ ગલી,મહોલ્લા, માર્ગો પર ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યા છે. અચાનક જ બૂમરાણ મચાવતા ફેરિયાઓના ભૂંગળાથી શાંત વિસ્તારોમાં સૂતા, ભણતા, બિમાર લોકો હેરાન પરેશાન થઇ જાય છે.