હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું કે, માતા-પિતાને તેમના બાળકોને મળવાથી રોકી શકાય નહિ. જો કે, તેની પોલીસ તપાસ દરમિયાન માતા-પિતા બાળક સાથે હાજર રહી શકશે નહીં. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન બાળકો સાથે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિના અધિકારી અને મહિલા અધિકારી હાજર રહેશે. પોલીસે આશ્રમમાં કોણ-ક્યારે આવ્યું તેનું રજીસ્ટર અને ડિટેઈલ માહિતી રાખવાનો કોર્ટે આદેશ કર્યો છે. આશ્રમમાંથી કોઈપણ બાળક હાઈકોર્ટની પરવાનગી વગર ક્યાંય જઈ શકશે નહીં તેવો પણ હાઈકોર્ટે સુચન કર્યું હતું.
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચારેય બાળકોનું હાઈકોર્ટમાં નિવેદન હાઈકોર્ટના આદેશ બાદ વિવેકાનંદનગર પોલીસ દ્વારા રજૂ કરાયેલા ચારેય બાળકોએ કોર્ટને જણાવ્યું હતું કે, કેસની તપાસ માટે અમને પોલીસ અધિકારી દ્વારા અલગ અલગ બોલાવવામાં આવે છે અને કેટલાક કાગસ પર અમારી સહી લેવામાં આવતા અમને ભય લાગે છે.
બાળકો સાથે આવેલી આશ્રમની મેન્ટર ત્રિશા સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસે આશ્રમમાં 11 વર્ષની દિકરીને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા અને ગુરુકુળમાં રહેશો દુષ્કર્મ થશે જેવી વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 2 બાળકોએ આશ્રમમાં આવેલો ગુરુકુળ છોડી દીધું છે જ્યારે આજે 6 વિધાર્થીઓએ ગુરુકુળ છોડી દીધું છે.
આ હેબિયસ કૉર્પસ રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારના વકીલને નિત્યાનંદ આશ્રમના મેનેજરનું નામ પુછ્યું હતું. જે મુદ્દે અરજદારના વકીલ યોગ્ય જવાબ આપી ન શકતા હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તમે જેના મેનેજરનું નામ નથી જાણતા એવા આશ્રમના ગુરુકુળ ભરોસે તમારા બાળકોને રાખ્યા છે.
હાઈકોર્ટે લાલ-આંખ રાખતા નિત્યાનંદ આશ્રમ અથવા આશ્રમના સંચાલકને કેસમાં પ્રતિવાદી તરીકે જોડાવવાનો આદેશ કર્યો હતો. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, નિત્યાનંદ આશ્રમમાં અભ્યાસ કરતા ચાર બાળકોના માતા-પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ દાખલ કરી હતી. જેમાં પોલીસ તેમને બાળકોને ન મળવા દેતી હોવાનો આક્ષેપ કર્યો હતો.