રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓની ઉણપને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામા આવી હતી. જેમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાયમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર અને જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની મોટા પાયે ઊણપ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામા આવી છે. જેના કારણે જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું હોવાની પણ રજૂઆત હાઈકોર્ટમાં થઈ છે.
જાહેર આરોગ્ય સેવા માટે બજેટના પૈસા ક્યાં વાપર્યા તેનો રાજ્ય સરકાર જવાબ આપે: હાઈકોર્ટ - public health services
અમદાવાદઃ રાજ્યની જાહેર આરોગ્ય સેવામાં ખાસ કરીને પ્રાઈમરી હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડોકટર્સ, સ્ટાફ સહિતના અભાવ મુદે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે બુધવારે ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે આરોગ્ય માટે કેન્દ્ર તરફથી મળતી સહાય અને રાજ્ય સરકારના આરોગ્ય બજેટ હેઠળ પૈસા ક્યાં વપરાય છે. તેની માહિતી રજુ કરતો જવાબ રાજ્ય સરકાર પાસે માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 25મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
ઉપરાંત અરજદારે હાઈકોર્ટ સમક્સ એવી પણ રજૂઆત કરી કે, જાહેર આરોગ્ય સેવાઓ માટે હેલ્થ વર્કર અને નર્સીસ, ડોક્ટર, સ્પેશ્યલાઇઝ્ડ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની મોટે પાયે અછત છે અને સરકાર દર વર્ષે જાહેર આરોગ્ય સેવાઓ માટેનું બજેટ ઘટાડી રહી હોવાનો દાવો પણ કરવામા આવ્યો છે. અરજીના પગલે હાઈકોર્ટનો સરકારને નિર્દેશ આપ્યા છે. જાહેર આરોગ્ય સેવાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલું બજેટ ફાળવાય છે તેની વિગતો રજૂ કરો. આરોગ્ય સેવાઓ પાછળ ફંડનું ક્યાં, કેવી રીતે એલોકેશન થયું તેની પણ હાઇકોર્ટે વિગતો માગી છે.
હાઈકોર્ટે અરજદારને પણ નિર્દેશો કર્યા છે અને કહ્યુ કે, આરોગ્ય સેવાઓ પાછળ કેટલો ખર્ચ થાય છે. તેના અંગેની વિગતોનો રિપોર્ટ અરજદાર પણ કોર્ટને આપે. આગામી સુનાવણીમાં સરકાર જાહેર આરોગ્ય સેવાની ઉણપ મામલે બુધવારે હાઈકોર્ટે કરેલા નિર્દેશો બાદ સરકાર શું વિગતો કોર્ટમા રજૂ કરે છે તે હવે જોવાનુ રહેશે.