અમદાવાદ :9 ઓક્ટોબર એટલે વર્લ્ડ પોસ્ટ ડે. આજના દિવસે 1874 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. તે દિવસથી જ આજના દિવસે વર્લ્ડ પોસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં હાલ 1 લાખ 59 હજારથી પણ વધુ પોસ્ટ ઓફિસ જોવા મળી રહી છે. દેશના દૂર ગામડાઓમાં પણ પોસ્ટની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા આગામી સમયમાં નવી સુવિધાઓ ઉભી કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત 24 કલાક પાર્સલ બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરવાની તૈયારી પોસ્ટ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જેનાથી દેશના લોકોને પણ ખૂબ મોટો ફાયદો થશે.
વર્લ્ડ પોસ્ટ ડે : વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી સાથે પોસ્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વિશેષ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પત્રકાર પરિષદમાં ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર નીરજકુમારે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસનું નેટવર્ક દેશમાં ખૂબ મોટું જોવા મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સમયમાં વધુ નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં અમદાવાદ અને વડોદરા એરપોર્ટ ઉપર મુસાફર માટે ખૂબ જ નજીવા દરે વધારાનો સામાન ઘરે મોકલવા માટે પોસ્ટ સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મેઈલ ટ્રાન્સમિશન ઓફિસ પણ મેલના ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સમિશન માટે શરૂ કરવામાં આવશે.