ભારતભરમાંથી 250 જેટલા જીવદયા કાર્ય કરતી સંસ્થાઓને દાન અમદાવાદઅમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલ 400માં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્પર્શ મહોત્સવમાં રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ દ્વારા રોજ અલગ અલગ વિષયો ઉપર વ્યાખ્યાન આપવામાં આવતું હોય છે. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત આજે ખાસ કરીને જીવદયાના વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આજના આ પ્રસંગમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીયપ્રધાન નિતીન ગડકરી ઉપસ્થિત રહ્યાં હતાં.
5 કરોડથી વધુ રકમના ચેકનું વિતરણ સ્પર્શ મહોત્સવના આજના કાર્યક્રમમાં જીવદયાની રાશિના 5 કરોડથી વધુ રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભર માંથી 250 જેટલા જીવદયા કાર્ય કરતી સંસ્થાઓ હાજર રહી હતી અને તેમને જ આ રકમ આપવામાં આવી હતી.
આ પણ વાંચો Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવી ગિરનાર પર્વતની રેપ્લિકા
ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનું મહત્વઆ પ્રસંગે વાત કરતા જૈન આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, 15 વર્ષની ઉંમરમાં આપણને ગાડી ચલાવવાનું લાઇસન્સ મળે છે. પરંતુ ધર્મરૂપી આ શરીરને લાયસન્સ અને એની જાળવણી કઈ રીતે કરવી? વિજ્ઞાનનું કામ નવા નવા વિષયો અને રિસર્ચનું છે જ્યારે ધર્મનું કામ તે વિષયની સાચી સમજ આપવાની છે.
સદવાંચનનું મહત્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,અમદાવાદના આંગણે પદ્મભૂષણ આચાર્યશ્રી રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજના 400મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે. સદવાંચનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય શ્રી રત્નસુંદર સૂરિશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે.
આ પણ વાંચો Sparsh mahostav: જાણો જૈન સાધુ-સાધ્વીના જીવન વિશે
વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે આવા મહોત્સવમાં પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજને સંસ્કારિત કરવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત તથા 5 ટ્રીલિયનની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય છે. ત્યારે સમાજ અને દેશનિર્માણ માટે વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી છે. જે આવા સ્પર્શ મહોત્સવો થકી થાય છે.
સ્પર્શનગરીના વખાણ સ્પર્શ મહોત્સવમાં ભારતીય ઉત્સવ પરંપરાને લઈને તેમણે કહ્યું કે, સમાજને જીવન જીવવાની નવી દ્રષ્ટિ પ્રદાન કરવાના હેતુ સાથે ભારતમાં પ્રાચીનકાળથી ઉત્સવોની પરંપરા છે. આજે મહોત્સવો દ્વારા પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજનિર્માણનું કામ થઈ રહ્યું છે જે પ્રશંસાને પાત્ર છે. ગુજરાત માટે આ ખૂબ જ સારો પ્રસંગ છે. અમદાવાદમાં સ્પર્શનગરી બનાવાઇ છે તે પ્રાચીન સંસ્કૃતિ અને અર્વાચીન ટેકનોલોજીની પદ્ધતિથી સ્પર્શ નગરી બનાવી છે. તે ખૂબ જ અદભુત છે. પીએમ નરેન્દ્ર મોદીનું પણ સપનું છે કે, ભારતની ઇકોનોમી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડીએ. ટેકનોલોજીમાં આગળ વધે એવું પણ આપણું સપનું છે. ભગવાન મહાવીરથી લઈને ભગવાન બુદ્ધ એ સંસ્કૃતિના જતન કરવા માટે થઈને સંસ્કારનું સિંચન જરૂરી છે.
સામાજિક આધ્યાત્મિક પ્રવૃતિઓનું આયોજન ઉલ્લેનખનીય છે કે 22 જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ ચાલશે. અત્યાર સુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ આવી રહ્યા છે. સાથોસાથ અહીં પ્રતિદિન અનેક સામાજિક આધ્યાત્મિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.