અમદાવાદ:ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનું ચલણ નાના બાળકોથી લઈને યુવાધન અને એકંદરે વૃદ્ધોમાં પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવું ખૂબ જ સરળ થઈ ગયું હોવાથી કરોડો લોકોએ સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ બનાવવામાં આવી છે, જોકે તે પ્રોફાઈલમાં યોગ્ય પ્રાઇવેસી અને અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવતા પ્રોફાઈલ ક્લોનિંગ જેવી ઘટનાઓમાં સદંતર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કચ્છના સ્વર્ગસ્થ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનું એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી, ત્યારે ફેક પ્રોફાઈલ ન બને તેના માટે આ તકેદારી રાખવાની જરૂર છે.
સુંદર યુવતીઓના પણ ફેક એકાઉન્ટ:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુલ, ટ્વીટર, લિંકડ ઈન, ઇન્સ્ટાગ્રામ પર કરોડોની સંખ્યામાં વપરાશકારો છે, ત્યારે પ્રોફાઈલ ક્લોનિંગ કરનારા ઠગો દ્વારા જે ખ્યાતિ ધરાવતા લોકો હોય અથવા સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર હોય તેવા સિવાય સુંદર યુવતીઓના પણ ફેક એકાઉન્ટ બનાવીને તેનો દુરુપયોગ કરવામાં આવે છે. ગુનેગારો ન માત્ર પ્રોફાઈલ ફેક બનાવે છે પરંતુ જે તે વ્યક્તિના ખાસ મિત્રો, નજીકના લોકો, ફોલોવર્સ અને તે જેઓને ફોલો કરે તે તમામ લોકોને ફેક પ્રોફાઈલ બનાવી તેમા એડ કરી પૈસાની માંગણી કરે છે અથવા તો અન્ય રીતે તેનો દુરુપયોગ કરે છે.
બદનામ કરવાના ઇરાદે પ્રોફાઈલ ક્લોનિંગ:અમદાવાદ સાયબર સેલમાં મહિનામાં 8થી 10 આવી ફેક પ્રોફાઈલ બનાવવામાં આવતી હોવાની અરજી કે ફરિયાદો આવતી હોય છે, જેમાં ક્યારેક કોઈ વ્યક્તિને હેરાન, બદનામ કરવાના ઇરાદે પણ પ્રોફાઈલ ક્લોનિંગ કરવામાં આવતી હોય છે. આ ક્લોનિંગથી સિનિયર પોલીસ અધિકારીઓ પણ બચી શક્યા નથી તો સામાન્ય જનતા કઈ રીતે બચી શકે છે. જોકે અમુલ બાબતોની તકેદારી રાખવામાં આવે તો પ્રોફાઈલ ક્લોનિંગ અટકાવી શકાય છે.
આ લોકોની સોશિયલ મીડિયા પર બની હતી ફેક પ્રોફાઈલ:છેલ્લા બે ત્રણ વર્ષમાં સમયગાળામાં રાજ્યના અલગ અલગ શહેરોમાં ફરજ બજાવતા સિનિયર IPS ઓફિસર, સેલિબ્રિટી અને રાજનેતાઓ સહિતના લોકોની ફેક પ્રોફાઇલ બનાવવામાં આવી છે, જેમાં અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, કરાઈ પોલીસ એકેડેમીના પૂર્વ SP અને હાલમાં સુરેન્દ્રનગર SP હરેશકુમાર દુધાત, જામનગર SP પ્રેમસુખ ડેલું, તેમજ સિનિયર IPS ધર્મેન્દ્રસિંગ વાઘેલાની ફેક પ્રોફાઈલ બની છે. અને તે આઈડી થકી તેઓના મિત્રો પાસેથી નાની નાની રકમ માંગવામાં આવી હતી.