અમદાવાદઃ શહેરમાં એસ કે યુનાઈટેડ ફૂટબોલ દ્વારા અમદાવાદ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા યોજાતી ટૂર્નામેન્ટની 3જી સીઝન છે. જે 6 જાન્યુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 50 ટીમો ભાગ લઈ રહી છે. એસ કે યુનાઈટેડ ફૂટબોલ કોવિડ-19ની મહામારી બાદ AIFF માન્યતા પ્રાપ્ત કલબ છે.
અગાઉ 2 સીઝનઃ APL ટૂર્નામેન્ટની 2 સીઝન એસ કે યુનાઈટેડ ફૂટબોલ યોજી ચૂક્યું છે. જેમાં પ્રથમ સીઝનમાં માત્ર 8 ટીમોએ ભાગ લીધો હતો. બીજી સીઝનમાં આ ટૂર્નામેન્ટ પ્રત્યેનો ક્રેઝ વધવાથી કુલ 34 ટીમોએ ભાગ લીધો હતો. ત્રીજી સીઝનમાં ફૂટબોલ રમતી કુલ 50 ટીમોએ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટ ફૂટબોલ રમતમાં આશાસ્પદ ખેલાડીઓને પોતાનું કૌશલ્ય, ટેલેન્ટ દર્શાવવા માટેનું પ્લેટફોર્મ સાબિત થઈ રહી છે. અગાઉની બંને સીઝનમાં પ્રતિભાશાળી ખેલાડીઓને ફૂટબોલની હાયર લેવલની ગેમ્સમાં રમવાનો ચાન્સ મળ્યો છે. તેથી જ 3જી સીઝનને લઈને ખેલાડીઓ ખૂબ ઉત્સાહી છે.
એસ કે યુનાઈટેડ ફૂટબોલ કલબઃ આ કલબ ફૂટબોલ ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થાય તેવા ઉદ્દેશ્યથી ચલાવવામાં આવે છે. યોગ્ય ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે અમદાવાદ પ્રીમિયર લીગનું પણ આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી બે સફળ સીઝન યોજાઈ ચૂકી છે. હવે 6 જાન્યુઆરીથી 9 માર્ચ સુધી ચાલવાની છે. જેમાં 50 ટીમોએ ભાગ લીધો છે. સામાન્ય રીતે આવી ટૂર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને મેડલ્સ આપવામાં આવે છે, પણ એસ કે યુનાઈટેડ તરફથી આ ટૂર્નામેન્ટના મેન ઓફ ધી મેચ ખેલાડી માટે ખાસ ટ્રોફી તૈયાર કરવામાં આવી છે. જેથી ટ્રોફીને જીતવા ખેલાડીઓ તંદુરસ્ત હરિફાય કરવા પ્રેરાય અને ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરે. આ કલબ અત્યારે ફુટબોલ ગેમમાં ટેલેન્ટેડ ખેલાડીઓની સંખ્યા વધે તે હેતુથી વર્ષ 7-19 સુધીના મેલ અને ફિમેલ મળીને કુલ 150થી વધુ ખેલાડીઓને માર્ગદર્શન અને સઘન તાલીમ પૂરી પાડે છે.