અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરતા નથી. અનેકવાર રજૂઆત કરાઈ છતાં આ મુદ્દે ધ્યાન અપાતું નથી અને પરિણામે આવી દુર્ઘટના સર્જાય છે. જેમાં લોકોના જીવનો ભોગ લેવાય છે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: દોષિતો સામે કડક કાર્યવાહીની માગ સાથે હાઈકોર્ટમાં અરજી - shrey Hospital
અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રવિવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે, આ દુર્ઘટનાના જે આરોપીઓ છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, આ કેસમાં હજી સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલીસ વિભાગ દ્વારા એવું જાણવા મળ્યું છે કે, દુર્ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે, ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને 48 કલાકથી વધુનો સમય વિતી ચુક્યો છે, ત્યારે હજી સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્રેય હોસ્પિટલના કોરોના વોર્ડમાં મધરાત્રે 3 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નિપજ્યા હતાં.