અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોઢેરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જમીન પર ઝૂંપડું બાંધીને રહેતા 60 જેટલા પરિવારોને 7 દિવસની અંદર જમીન ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.
AMCએ ટાઉન પ્લાનિંગ સ્કીમના બહાના હેઠળ ગરીબોને ઝૂંપડા ખાલી કરાવવા નોટિસ પાઠવી - notice
એક તરફ ભારતીય સૈનિકો ભારતની એક ઇંચ જમીન પણ દુશ્મનોના હાથમાં લાગે નહીં તે માટે શહીદી વ્હોરી રહ્યાં છે. તો બીજી તરફ આ દેશના ગરીબોને પોતાના દેશની જમીન પર ઝૂંપડું બાંધીને રહેવાનો અધિકાર પણ સરકાર આપતી નથી.
ઉલ્લેખનીય છે કે, અહીં રહેતા દરેક વ્યક્તિ શ્રમિક છે. તેઓમાં મોટાભાગના કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા છે. જેઓ મૂળ ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેવાના હતા, તે વખતે પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને ભારતની ગરીબી ન દેખાય, તે માટે કોર્પોરેશને તેમને તુરંત ઝૂંપડા ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ પ્રચાર માધ્યમોના અહેવાલોને પગલે દબાણમાં આવી જઈને કોર્પોરેશન થોડા સમય માટે પગલાં ભરવાનું માંડી વાળ્યું હતું, પરંતુ ફરીથી ટાઉન પ્લાનિંગ સ્કીમના બહાના હેઠળ કોર્પોરેશને ઝૂંપડા ખાલી કરવા નોટિસ પાઠવી છે.
નોંધનીય છે કે, હવે બંધારણીય હકોની આ લડાઈમાં આ મજૂરો એકલા નથી. મજૂર અધિકાર મંચ પણ તેમની સાથે છે. તેમની માગ છે કે, સરકારે જો આ જમીન ખાલી કરાવવી હોય તો તેમને કોરોનાના આ કપરા કાળમાં સૌથી વધુ દુઃખ વેઠનાર મજૂરોને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ.