અમદાવાદ:મોબાઈલ ફોનની ઓળખ તેના IMEI (ઇન્ટરનેશનલ મોબાઈલ ઈકવિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર ઉપરથી થતી હોય છે. પરંતુ જો IMEI નંબર જ બદલી જાય તો ધણી સમસ્યાઓ થઇ શકે છે. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે મોબાઈલ ફોનમાં IMEI નંબર બદલી નાખવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં એક યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
IMEI નંબર શું છે ?IMEIનું ફુલ નામ આંતરરાષ્ટ્રીય મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી છે. આ નંબર એક જ હોય છે મતલબ કે દરેક ફોનમાં આ નંબર આવે છે અને દરેક ફોનનો નંબર અલગ અલગ હોય છે. ફોન ખરીદી કરવામાં આવે છે ત્યારે આ નંબર આપણા ફોનના બોક્સમાં અથવા બિલમાં હોય છે. જયાં વોરંટી લખેલી હોય છે ત્યાં પણ આ નંબર નોંધવામાં આવે છે. મોબાઇલની ઓળખ અને મોબાઇલ માલિકની ઓળખ માટે આ IMEI નંબર હોય છે.
આ પણ વાંચો ઓનલાઇન ગેમ રમતા ફૂટબોલ રસિકો સાવધાન, નહીં તો થઈ શકો છો પાયમાલ
પોલીસને મળી બાતમી:અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે બાતમી મળી હતી. જેના આધારે નેહરુનગર ચાર રસ્તા પાસે આવેલ જનપથ કોમ્પ્લેક્સમાં તપાસ કરી હતી. ત્યાં મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરતા અબ્દુલ ખાલીક નામનો યુવક આ પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે.પોલીસે એક યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો How to avoid cyber fraud : વેબસાઇટોથી ઠગતા સાયબર ઠગોથી કઈ રીતે બચી શકાય, જાણો સાયબર એક્સપર્ટ પાસેથી
ટ્રીક અજમાવી:સાયબર ક્રાઇમએ બાતમીના આધારે એક ખાનગી વ્યક્તિને પોતાની સાથે રાખીને દુકાનમાં મોકલી અને મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાના છે, તેવું જણાવીને મન્નત કોમ્યુનિકેશન નામની દુકાને મોકલ્યો હતો. જ્યાં અબ્દુલ ખાલીક નામના દુકાનદારે IMEI નંબર બદલવાના 1400 રૂપિયા થશે, તેવું જણાવીને મોબાઇલ ફોન લઈને બે દિવસ પછી ફોન આપવાનું જણાવ્યું હતું. જે બાદ આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે સ્થળ ઉપર જઈને યુવકની ધરપકડ કરી હતી. આ મામલે પકડાયેલા યુવકે પોતાની પાસે રહેલ યુ.એમ.ટી (અલ્ટીમેટ મલ્ટી ટુલ) સોફ્ટવેરના માધ્યમથી પોતાની પાસે રહેલ કોમ્પ્યુટર દ્વારા ફોનન IMEI નંબર બદલતો હોવાની કબુલાત કરી છે.
મોબાઇલ ફોનના IMEI નંબર બદલ્યા:આ મામલે પકડાયેલા આરોપી અત્યાર સુધીમાં કેટલા મોબાઇલ ફોનના IMEI નંબર બદલ્યા છે. અને શહેરમાંથી ચોરી થયેલા હજારો મોબાઇલ ફોનમાંથી આ રીતે જ IMEI નંબર બદલવામાં આવતો હતો કે કેમ તે તમામ દિશામાં સાયબર ક્રાઇમ એ પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે આરોપી સામે IPCની કલમ 420, 465, 468, 471 અને ધી ઇન્ડિયન ટેલિગ્રામ એક્ટ 1985 ની કલમ 25 મુજબ ગુનો દાખલ કરી આરોપીની વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. આરોપી જે સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. અને ચોરીના ફોનના IMEI નંબર આરોપીએ બદલયા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે--જે.એમ યાદવ (સાયબર ક્રાઈમના ACP ટેલીફોનિક વાતચીત)