અમદાવાદ:આજે તા.19મી માર્ચના રોજ ચેન્નાઈ ખાતે કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવીયા, શ્રી અનુરાગ ઠાકુર, ડૉ. એલ.મુરુગ્ગન તેમજ ગુજરાતના પ્રધાન શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય પ્રધાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના લોગો, થીમ સોંગ અને રજીસ્ટ્રેશન પોર્ટલ saurashtra.nitt.edu નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:Unseasonal Rain Junagadh: ગીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ કરા સાથે પડેલા માવઠાથી નુકસાનના એંધાણ
બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ પુનઃમિલન: કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમને “સોમસુંદરેશ્વર મહાદેવનો સોમનાથ મહાદેવ સાથેનો સંગમ” ગણાવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના 10 દિવસ દરમિયાન બંને રાજ્યો વચ્ચે ઈતિહાસ, કલા, ભાષા અને સંસ્કૃતિનું જે આદાન-પ્રદાન થશે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી નવી દિશા આપશે. આ સંગમ ઇતિહાસમાં બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ અને સૌથી મોટું પુનઃમિલન હશે, જે આ બંને રાજ્યોના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના બનશે.
અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું: કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ સૌને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કર્યો છે, ખાસ કરીને એવા રાજ્યો વચ્ચે જે ભૌગોલિક રીતે અલગ હોય પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા હોય. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચે કલા, ખાણી-પીણી, સાહિત્ય અને રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓની આપ-લે માટે પ્રદર્શનો, મીટીંગો, ચર્ચાઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.