અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડું 14 જૂને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને કચ્છના જખૌ વિસ્તાર પર ત્રાટકવાની સંભાવના છે. તેમજ હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. ત્યારે ભારે વરસાદ અને પવન વચ્ચે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર તરફથી ભક્તોને અપીલ કરવામાં આવી છે.
ભક્તોને અપીલ:સાળંગપુર ખાતે દર્શન કરવા આવતા ભક્તોને કષ્ટભંજન દેવ મંદિર તરફથી અપીલ કરવામાં આવે છે. જેમાં જણાવ્યું છે કે, દાદાના દર્શન માટે તારીખ 14 જૂન, 2023 થી 16 જૂન, 2023 સુધી મંદિર આવવા પ્રવાસ ન કરવો. પ્રત્યક્ષ દર્શન કરવા આવવાનો આગ્રહ ન રાખવો. કષ્ટભંજન દેવના સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ દર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈવ દર્શન કરો:સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર તરફથી ઘરે બેઠા ઓનલાઈન દાદાના દર્શન કરવા માટે યુ ટ્યુબ પર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યુ ટયુબમાં Salangpurhanumanji પર ક્લિક કરીને દર્શનનો લ્હાવો લઈ શકાશે.
ભક્તોની અનેરી શ્રદ્ધા:બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું મંદિર આવેલું છે. તે સાળંગપુરના હનુમાન તરીકે પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના સંચાલનમાં આવે છે. કષ્ટભંજનદેવ હનુમાન દાદા પર ભક્તોને અનેરી શ્રદ્ધા છે. કષ્ટભંજન દેવના દર્શન કરવા જનાર સૌના કષ્ટ દૂર કરે છે, તેવી આસ્થા રહેલી છે. જેથી ભારતભરના ભક્તો સાળંગપુરના હનુમાન દાદાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં આવે છે.
કિંગ ઓફ સાળંગપુર:તાજેતરમાં સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ મંદિરની બહાર હનુમાનદાદાની વિશાળ ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 54 ફૂટ ઊંચી મૂર્તિને કિંગ ઓફ સાળંગપુર કહેવાય છે. કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં દર્શન કરવા ભક્તોને ચાર કિલોમીટર દૂરથી કિંગ ઓફ સાળંગપુરના દર્શન થાય તે રીતે મૂર્તિ ગોઠવવામાં આવી છે.
- Hanuman Jayanti: કિંગ ઓફ સાળંગપુર, 54 ફૂટની પ્રતીમાનું ભક્તિભાવ સાથે લોકાર્પણ
- Cyclone Biparjoy: 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના