અમદાવાદ જિલ્લામાં સાત સ્થળોએ સેનિટાઇઝેશન કરાયું, વધુ 464 ગામ સેનિટાઈઝ થશે - અમદાવાદ જિલ્લામાં સાત સ્થળોએ સેનિટાઇઝેશન કરાયું
કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં સાત જેટલા સ્થળોએ સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઇ હતી.
અમદાવાદ : જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના જેતલપુર ગામ, જેતલપુર એપીએમસી, હુડકો, કઠવાડા, વાંચ, બારેજા તથા સોલા સિવિલ હોસ્પિટલને સંપૂર્ણપણે સેનિટાઇઝેશનની કામગીરી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુની સૂચનાને આધારે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ સ્થળોએ કામગીરી પૂર્ણ કરાઇ હતી.
અમદાવાદ જિલ્લામાં 3જી મેના રોજ સવારે 10:30 કલાકે તમામ ગામોમાં એકસાથે એક સમયે સેનિટાઇઝેશન હાથ ધરાનાર છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશે જણાવ્યું છે કે, નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે પ્રજા અને તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ ગામોમાં એકસાથે સેનીટાઇઝેશન હાથ ધરાનાર છે. આ કામગીરી સંપૂર્ણપણે લોકડાઉનનાના નિયમો તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને હાથ ધરાનાર છે, જેથી જેનું ઇચ્છિત પરિણામ મળી શકે.
અમદાવાદ જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ નીચે જિલ્લાના 464 ગામોમાં એક સાથે આ કામગીરી હાથ ધરાનાર છે. રોગનું સંક્રમણ અટકાવવા સેનિટાઇઝેશન એ ખૂબ મહત્વની બાબત છે ત્યારે આ કામગીરી માટે કુલ 3 લાખ લીટર દવાનું સોલ્યુશન વપરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગ્રામ યોદ્ધા કમિટી તથા કોરોનાનું સંક્રમણ અટકાવવા કાર્યરત સ્વૈચ્છિક પ્રજાજનોના સહયોગથી આ માસ મુવમેન્ટ હાથ ધરાનાર છે.