અમદાવાદઃ કોરોનાની વર્તમાન પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અટકાયતી પગલાં સ્વરૂપે ફોગર મશીન થકી સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલા અને જિલ્લા વિકાસ અધિકારી આરૂણ મહેશ બાબુના આદેશ મુજબ અમદાવાદ જિલ્લાના વિવિધ ગામમાં કોવિડ-19 અટકાયતી પગલાના ભાગરૂપે સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી હતી.
જે અંતર્ગત વિરમગામ શહેરમાં અમદાવાદ જિલ્લા પંચાયત મેલેરીયા શાખા, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, નગરપાલીકા, પોલીસ સહિતના વહીવટી તંત્ર સેનિટાઇઝેશન કામગીરીમાં જોડાયા હતા.
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ફોગર મશીનથી સેનિટાઈઝેશન કરાયું વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પર ઇન્સીડન્ટ કમાન્ડર અને વિરમગામ પ્રાન્ત સુરભી ગૌતમ, અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણા, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહના માર્ગદર્શન મુજબ 3 વાહનમાંથી ફોગર મશીન દ્વારા સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને નોવેલ કોરોના વાઇરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે, હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાઇરસના લક્ષણો છે.
જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાઇરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવાના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.