અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું કે, હવે શહેરમાં કોરોનાથી ડિસ્ચાર્જ થનારા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં 72 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પણ લોકોએ બેદરકાર બની જવાની જરૂર નથી.
અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસના દરમાં ઘટાડો: AMC કમિશ્નર વિજય નેહરા - કોરોના વાઈરસ
અમદાવાદ માટે રાહતના સમાચાર છેલ્લા 24 કલાકમાં 21 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 72 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે માહિતી આપી હતી.
વિજય નેહરાએ જણાવ્યું કે, લોકો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરે અને આગામી 3 મે સુધી ઘરમાં રહીને કોરોના સામેની જંગમાં મદદરૂપ થાય. હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાઈરસને નિયંત્રણમાં લાવ્યા છીએ. પરંતુ લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો આ મહેનત પાણીમાં જતી રહેશે.
લોકો આવીને રિપોર્ટ કરાવતા હોય તેવા 2195 ટેસ્ટ થયા છે. જ્યારે સામેથી કેસ શોધ્યા હોય તેવા 13 હજાર 725 ટેસ્ટ થયા છે. જેમાંથી 1064 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં 16 હજાર જેટલા ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. જે જાપાન કરતા 5 ગણા છે. ક્વોરેન્ટાઈનમાં લોકોની સંખ્યા 6330 જેટલી થઈ ગઈ છે.