અમદાવાદ:ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Elections) પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પહેલી ડિસેમ્બરે મતદાન થશે. જેમાં કચ્છની 6 બેઠક, સૌરાષ્ટ્રની 48 બેઠક અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પર મતદાન થશે, જેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે સોમવારે છેલ્લો દિવસ હતો. કેટલા ફોર્મ ભરાયા છે? તે ડેટા મોડીસાંજ સુધી સત્તાવાર રીતે જાહેર થયા નથી.
વડોદરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: ભાજપમાં ટિકિટની ફાળવણી મુદ્દે બળવો યથાવત રહ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ મામલો હાથ પર લીધો છે, તેમ છતાં વિરોધ ચાલુ રહ્યો હતો. ગુજરાતની બાયડ, વડોદરાની કરજણ, પાદરા, વાઘોડિયા સહિત ઉમરેઠ, અમદાવાદની વટવા બેઠક પર વિવાદ રહ્યો હતો. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે. નારાજ કાર્યકરો અને નેતાઓએ વિપક્ષથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. જો કે તેનો ચૂંટણીમાં સીધો માર ભાજપને પડી શકે છે. મધ્યગુજરાતમાં વડોદરાની પાંચ બેઠકમાંથી 3 બેઠક પર બળવો થયો છે અને બીજી બે બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ નથી. પણ સ્થાનિકોનું કહેવું હતું કે પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે.
અનેક બેઠકો પર ટિકિટની બબાલ:ગુજરાતની પાટણ, બાયડ, વિજાપુર, ગાંધીનગર દક્ષિણ, વાઘોડિયા, કરજણ, બેચરાજી, ચોર્યાસી, સાવરકુંડલા, જામનગર ઉત્તર, મહુવા, કેશોદ, વાંકાનેર, બોટાદ અને ગોંડલ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નેતાઓના સમર્થકોની નારાજગી છે. ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ભાજપ અને કોંગ્રેસે કવાયત કરી છે, પણ હજી સુધી ધાર્યુ પરિણામ મળ્યું નથી.
કોંગ્રેસ ભવનમાં તોડફોડ:કોંગ્રેસમાં મામલો માંડ થાળે પડ્યો હતો, ત્યાં આજે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાનું નામ જાહેર થતા કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખના કાર્યકરોએ કોંગ્રેસ ભવન પર આવીને તોડફોડ કરી હતી. ટોળાએ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ સોલંકીના પોસ્ટર ફાડીને તેને સળગાવ્યા હતા. તેમજ ભરતસિંહે રૂપિયા લઈને ટિકિટ વેચી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપનાર ભરતસિંહ સોલંકી છે. જેથી ભરતસિંહના ફોટા સળગાવ્યા હતા.