ગુજરાત

gujarat

ETV Bharat / state

ICC World Cup 2023: ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા વિશે શું કહે છે તેમના દ્રોણાચાર્ય, જાણો - ફર્સ્ટ ક્રિકેટ કોચ

ભારતીય ટીમનો સૌથી વિશ્વાસપાત્ર ઓલરાઉન્ડર જામનગરના રવિન્દ્ર જાડેજાના પહેલા ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ છે. જાડેજાને આઠ વર્ષથી ક્રિકેટમાં પગરવ કરી, આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવનાર શિલ્પી છે મહેન્દ્રસિંહ ચૌહાણ. ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ઈટીવી ભારત સાથે ભારત વિશ્વ કપ વિજેતા બનશે એ આશા વ્યક્ત કરતાં રવિન્દ્ર જાડેજા અંગે રસપ્રદ વાતો કરી છે.

રવિન્દ્ર જાડેજાના ફર્સ્ટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ખુલીને વાત કરી
રવિન્દ્ર જાડેજાના ફર્સ્ટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ખુલીને વાત કરી

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 10:20 AM IST

અમદાવાદઃ રવિન્દ્ર જાડેજા હાલ વિશ્વ કપ-2023ના મહત્વના ઓલરાઉન્ડર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાએ 186 વન-ડે મેચ રમીને 2,636 રન બનાવ્યાં છે. જ્યારે 204 વિકેટ ઝડપી છે. ઉતરતા ક્રમે આવી અનેક પરિસ્થિતિમાં રવિન્દ્ર જાડેજાએ ભારતને વિજય અપાવ્યો છે. ઉત્તમ ફિલ્ડર અને ડેશિંગ ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજાના આરંભિક કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની ETV BHARAT સાથે થયેલ ટેલિફોનિક સંવાદની આ છે મહત્વની બાબતો.

રવિન્દ્ર જાડેજાના કોચ 480 બાળકોને ક્રિકેટ કોચિંગ પૂરુ પાડે છે

ETV BHARAT: રવિન્દ્ર જાડેજાને પહેલી વાર ક્યારે મળ્યા હતા અને તેનામાં શુ વિશેષતા હતી?

મહેન્દ્રસિંહ ચૌહાણ: રવિન્દ્ર જાડેજા જ્યારે આઠ વર્ષની ઉંમરના હતા, સાયકલ ચલાવતા ત્યારે તેમના માતા-પિતા સાથે આવ્યા હતા. એ અમારી પહેલી મુલાકાત હતી. ક્રિકેટ માટે લગાવ પહેલાથી જ હતો.

ETV BHARAT: રવિન્દ્ર જાડેજા શું બનવા આવ્યા હતા, બેટમેન કે બોલર?

મહેન્દ્રસિંહ ચૌહાણ: અમારી પાસે કોચિંગમાં રવિન્દ્ર આવ્યા ત્યારે તેઓ પેસર (ફાસ્ટ બોલર) બનવા માંગતા હતા, પણ ત્યારે તેમની ઉંમર નાની હતી. ઉંચાઈ પણ ઓછી હતી એટલે રવિન્દ્ર જાડેજાએ સ્પીન બોલિંગ અને બેટિંગ પર ફોકસ કર્યું. જેના કારણે તેઓ આજે વિશ્વના જાણીતા ઓલરાઉન્ડર બન્યા છે.

ETV BHARAT: આરંભિક સમયમાં રવિન્દ્ર જાડેજા કેવા ક્રિકેટર હતા?

મહેન્દ્રસિંહ ચૌહાણ:પાયાથી જ તેમનું મજબુત ઘડતર થયું હતું. એક કોચ તરીકે પણ માનું છું કે, ક્રિકેટ હોય કે જીવન હોય આરંભિક ઘડતર જ તમને સફળતા અપાવે છે. રવિન્દ્રની ક્રિકેટ કારકિર્દીમાં પણ તેમના પાયાના ઘડતરે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે.

ETV BHARAT: એક ખેલાડી તરીકે રવિન્દ્ર જાડેજાની શું વિશેષતા છે ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: રવિન્દ્ર જાડેજા મોટો ખેલાડી બન્યો છે એ મને ગમ્યું છે. રવિન્દ્ર જાડેજાની ચપળતા તેને અન્યો કરતાં અલગ પાડે છે. બીજા કરતાં રવિન્દ્રએ ડબલ મહેનત કરી છે. જ્યારે તક મળી ત્યારે રવિન્દ્ર જાડેજાએ એકલ હાથે પણ મેચ જીતાડી છે. રવિન્દ્ર જાડેજાની રનીંગ બિટવિન ઘ વિકેટ ખૂબ જ સારી છે, જેનાથી એ સતત સ્ટ્રાઈક રોટેટ કરી ટીમના સ્કોરને સતત વધારે છે. સ્લોગ ઓવરમાં હાર્ડ હિટીંગ કરી રવિન્દ્રએ ઘણી મેચમાં કોઈ ન કરી શકે એવી રમત દ્વારા અશક્ય મેચો પણ જીતાડી છે.

ETV BHARAT: રવિન્દ્ર જાડેજાની રમત ટીવી ઉપર જોઇને શું અનુભવો છો ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: સાચું કહું, હું ટીવી ઉપર કોઈ મેચ જોતો જ નથી. મને લોકો આવીને કહે કે, રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લીધી કે 50 રન કર્યા. બસ, આ સાંભળીને હું ખુશ થાઉં છું. રવિન્દ્ર જો સસ્તામાં આઉટ થઇ જાય તો મારો આખો દિવસ ખરાબ જાય છે. રવિન્દ્ર જાડેજાનું મેચમાં પરફોર્મન્સ બસ હું સાંભળી લઉં છું.

ETV BHARAT: રવિન્દ્ર જાડેજાની રમતનું કયું પાસુ આપને ગમે છે ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: રવિન્દ્રનું મજબૂત પાસુ ફિલ્ડીંગ છે. રવિન્દ્ર પહેલા ફાસ્ટ બોલર બનવા માંગતા હતા, પણ તેઓ સ્પીનર બન્યા. મને રવિન્દ્રની બોલર તરીકે તેમનામાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે. મને બોલિંગમાં રવિન્દ્ર ફાસ્ટર વન ડિલિવરી ગમે છે. જેના થકી રવિન્દ્રએ અનેક વિશ્વ પ્રસિદ્ધ બેટ્સમેનોને થાપ આપી છે. રવિન્દ્ર જાડેજા ઝડપી ઓવર નાંખે છે. અન્ય બોલર એક ઓવર નાંખવામાં ચાર મિનિટનો સમય લે, એની સરખામણીમાં રવિન્દ્રની ઓવર અઢીથી ત્રણ મિનિટમાં પૂરી થઈ જાય છે. જેનાથી મેચમાં ટીમને ઓવર રેટ નો પ્રશ્ન થતો નથી. બેટિંગમાં એ હાર્ડ હીટર છે, જેનાથી ઓછા બોલમાં વધુ રન ફટકારી મેચ જીતાડી શકે એવી એનામાં ક્ષમતા છે.

ETV BHARAT: આ વર્લ્ડ કપમાં આપ કઈ ટીમને વિજેતા માટે ફેવરિટ માનો છો ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: ભારત જ મારી ફેવરિટ ટીમ છે અને હું ભારતને વિજેતા થવા માટે બેસ્ટ લક આપું છું.

ETV BHARAT: ભારત સિવાય અન્ય કઇ ટીમોને વિજેતા થવા ફેવરિટ માનો છો ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: ભારત વલ્ડૅ કપ જીતી શકે તેવું ફોર્મ અને હાલનું પરર્ફોમન્સ છે. ભારત સિવાય બીજી ટીમની વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ને પણ કમ ગણી ન શકાય. એમ તો પાકિસ્તાનની ટીમ પણ મજબુત છે.

ETV BHARAT: ભારત વિજેતા બને એ માટેના ક્યા કારણોને માનો છો ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: ભારત પાસે રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અશ્વિન જેવાં ઓલરાઉન્ડર ખેલાડીઓ છે. જેટલાં વધુ સારાં ઓલરાઉન્ડર એટલી ટીમની જીતવાની શક્યતા વધુ. ભારતના આ ઓલરાઉન્ડર્સ સ્લોગ ઓવરમાં સારું પરફોર્મન્સ કરી શકે એમ છે. આ સાથે ભારતની બેટિંગ લાઇનઅપ મજબુત છે.

ETV BHARAT: ભારતીય ટીમની ક્રિકેટ સિવાયની અન્ય કઇ વિશેષતા વિશ્વ વિજેતા બનાવી શકવામાં સહાયભૂત બની શકે છે?

મહેન્દ્રસિંહ ચૌહાણ: પોતાના દેશની ભૂમિ પર, દેશ માટે વિશ્વ કપ જીતવાની ભાવના.

ETV BHARAT: વિશ્વકપની મેચ શરુ થાય એ પહેલા રવિન્દ્ર જાડેજાને ક્યો સંદેશો આપશો ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: હવે રવિન્દ્ર જાડેજાને કોઈ સુચન આપવાની જરૂર નથી. એણે પોતાની આવડત સિદ્ધ કરી જ છે. બસ, એટલું કહું કે, મેચ જીતી, વિશ્વ કપ જીત !!!

ETV BHARAT:છેલ્લે રવિન્દ્ર જાડેજાને ક્યારે મળ્યાં હતા ?

મહેન્દ્રસિંહ ચૌહાણ: રવિન્દ્ર સાથે ફોન પર નિયમિત વાત કરે છે. હા, રવિન્દ્ર જામનગરમાં વિકસતા ક્રિકેટરો અંગે દિલથી પૂછે છે પણ ખરાં. છેલ્લી વ્યક્તિગત મુલાકાત ડિસેમ્બર - 2022માં થઈ હતી.

  1. Akshar Patel: અક્ષર પટેલ ઇજાને કારણે વિશ્વ કપમાંથી થયો બહાર, જાણો તેમના પરિવારે શું કહ્યું
  2. Cricket World Cup 2023: એક સમયે જેણે દેશને વિશ્વકપ જીતાડ્યો, તેઓ જેલમાં મેચ જોવાની પરવાનગીની રાહ જોતા હશે

ABOUT THE AUTHOR

...view details