અમદાવાદ : ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનની રક્ષા માટે આજના દિવસે ભાઈ વચન આપે છે અને બહેન ભાઈની રક્ષા માટે કવચ સ્વરૂપે રાખડી બાંધે છે. તેવામાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ કેદીઓ પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તેવા ઉમદા આશયથી જેલ વિભાગ દ્વારા દર વર્ષે ખાસ આયોજન કરાય છે. તેવામાં આ વર્ષે પણ જેલમાં કેદ કેદીઓને તેઓની બહેન રાખડી બાંધી આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકે અને કોઈ ભાઈનો હાથ સુનો ન રહી જાય તે હેતુથી રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ શકે તેવું આયોજન કરાયું હતું.
જેલમાં 35 વર્ષથી રક્ષાબંધન પર્વની ઉજવણી કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતો નથી, સમય સંજોગો અને અમુક પરીબળોના લીધે કોઈ વ્યક્તિ ગુનેગાર બને છે અને જેલના સળિયા પાછળ ધકેલાય છે, પરંતુ ગુનેગાર બન્યા બાદ તે સારા માર્ગે વળીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ સન્માનપૂર્વક જીવન જીવી શકે તેવા આશયથી જેલ વિભાગ સતત અનેક કામગીરી કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે કરતું હોય છે, જેમાં છેલ્લા 35 વર્ષથી જેલ વિભાગ દ્વારા જેલમાં કેદ કેદીઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેવામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે વહેલી સવારથી જ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.