અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તાર રખિયાલ વિસ્તારમાં કાશીબાઈ ચાલીના ગેટ પાસે ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરનાર આરોપીની શહેર SOG ક્રાઈમે ધરપકડ કરી છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સહિત અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવાયા છે.
શું હતો સમગ્ર મામલો : ગોમતીપુરમાં આવેલી કાશીબાઈની ચાલીમાં રહેતા નાસીર હુસેન શેખ પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની હતી. 22મી જાન્યુઆરી 2023ના રોજ તેઓ પોતાના મિત્રની દીકરીની સગાઈનો પ્રસંગ હોય તેની તૈયારી માટે મોડી રાત સુધી ત્યાં હાજર હતા. નાસિર હુસેન રાત્રે અઢી વાગે આસપાસ ચાલીમાં રહેતા મિત્રો સાથે ચાલીના નાકે ફૂટપાથ ઉપર તાપણી કરી રહ્યા હતા. તે સમયે અકબરનગરના છાપરામાં રહેતો ફઝલ અહેમદ શેખ અને તેનો ભાઈ અલ્તાફ તેમજ તેના ચાર મિત્રો એમ કુલ 6 લોકો એક કાર લઈને ત્યાં આવ્યા હતા. ફઝલ અહેમદે ફરિયાદી પાસે જઈને ઈકબાલ બાટલી ક્યાં છે તેવું કહેતા ફરિયાદીએ પોતાને ખબર ન હોવાનું જણાવતા ફઝલ અહેમદે તેની પર ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો અને તમામ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ગડદાપાટુનો માર મારવાનો શરૂ કર્યો હતો.
બે રાઉન્ડ હવામાં ફાયરિંગ :નાસીર હુસેન બુમાબુમ કરતા ફઝલે ફોરવ્હીલ ગાડીમાંથી એક પિસ્ટલ લઈને બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેથી ફરિયાદી અને તેના મિત્રો ડરીને દોડીને ચાલીની અંદર ભાગી રહ્યા હતા. તે સમયે ફઝલે એક રાઉન્ડ ફાયરિંગ ફરિયાદીની પાછળ કર્યું હતું. જોકે ફરિયાદી અંદર ફરાર થઈ ગયા હતા. જે બાદ થોડા સમય બાદ ફરિયાદી ચાલીના ગેટ પાસે આવ્યા હતા અને જોતા તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તે વખતે હોમગાર્ડના બે જવાનો ત્યાં આવ્યા હતા અને અંતે રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.