અમદાવાદ : પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કેસમાં ષડયંત્રકાર તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પૂર્વ સાંસદ અતિક અહેમદને લઈને ઉત્તરપ્રદેશની STF સ્પે સહિતની ટીમો અલગ અલગ દિશામાં તપાસમાં લાગી છે. ઉમેશ પાલ અને ગનમેનની હત્યા મામલે અતિક અહેમદ અને તેના પુત્ર સહિત 11થી 12 લોકો સામે ગુનો નોંધાયો હતો.
12થી 13 ટીમો બનાવી સાગરીતોની શોધખોળ :મહત્વનું છે કે, હાલ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા અમદાવાદ શહેર સહિત દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર 12થી 13 ટીમો બનાવીને અતિક અહેમદ તેમજ તેના સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે ઉત્તરપ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં ગુનામાં સામેલ બે આરોપીઓના એન્કાઉન્ટર કર્યા છે. તેવામાં અતિક અહેમદની પત્ની દ્વારા અતિકનું પણ એન્કાઉન્ટર કરવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલ તો અતિક અહેમદની પત્ની સાહિસ્તા પરવીન વોન્ટેડ હોવાથી ઉત્તરપ્રદેશ પોલીસે તેના ઉપર પણ 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી : ઉમેશ પાલ અને તેના ગનમેનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ઉમેશ પાલ રાજુપાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેના પર ઉપરાછાપરી ફાયરિંગ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. અતિક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. વર્ષ 2004માં અતિક અહેમદે ઉત્તરપ્રદેશની ફુલપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના પક્ષમાં ટિકિટ લઈને જીત મેળવી હતી. જે પહેલા અતિક અહેમદ ઇલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. પરંતુ તેઓના સાંસદ બન્યા પછી તે સીટ ખાલી થઈ હતી અને થોડાક સમય પછી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. જે સીટ પર સમાજવાદી પાર્ટીએ અતિક અહેમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. જે ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી ઉમેદવાર રાજુપાલે અતિક અહેમદના નાના ભાઈને હરાવ્યા હતા.
કોની કોની સામે ગુનો : જાન્યુઆરી 2005ના દિવસે પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુપાલની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં દેવી પાલ અને સંદીપ યાદવ નામના બે વ્યક્તિઓના પણ મૃત્યુ થયા હતા. જે ગુનામાં અતિક અહેમદ મુખ્ય આરોપી છે હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉમેશ પાલની પત્નીએ હત્યાનો આરોપ અતિક અહેમદ પર લગાવ્યો છે. પોલીસે ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો, જેમાં અતિક અહેમદની સાથે તેનો ભાઈ, પત્ની સાહિસ્તા પરવીન અને તેના બંને દીકરાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.