રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ રાજકોટના લોધીકામાં 68 મીમી - ગુજરાતમાં વરસાદ 2020
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સૌથી વધુ 68 મીમી વરસાદ નોંધાયો છે.

અમદાવાદ: સ્ટેટ ઈમરન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનનો 36.48 ટકા વરસાદ વરસ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, રાજ્યમાં આ ચોમાસામાં તમામ- 251 તાલુકાઓમાં વરસાદ થયો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં જૂન મહિનામાં – 122.24 મીમી અને જુલાઈ મહિનામાં 180.89 મીમી વરસાદ થયો છે.
પ્રદેશવાર જોઈએ તો આ ચોમાસામાં કચ્છ જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદના 84.87 ટકા વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદના 22.76 ટકા વરસાદ થયો છે. મધ્ય પૂર્વ ગુજરાત(અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદ)માં સરેરાશ વરસાદનો 24.45 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં આ પ્રમાણ 65.64 ટકા જેટલું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ ટકાવારી 36.48 ટકા છે.