અમદાવાદ : રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ સ્થિત GCRI કેન્સર હોસ્પિટલમાં સાઇબર નાઇફ સહિતના અન્ય રેડીયોથેરાપી મશીન (Radiotherapy Machines at GCRI Cancer Hospital) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાંથી અંદાજે 45 કરોડના ખર્ચે વિકસાવ્યું સાઇબર નાઇફ મશીન (Cyberknife Machine) કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનવામાં આવે છે. આ પ્રકારનું રોબોટિક મશીન વિકસાવનારી GCRI હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ છે. કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સામાન્ય પ્રકારના 5 મીમી થી 3 સેમી સુધીની કદના સામાન્ય સચોટ નિદાન કરીને તેની સારવાર સાયબર નાઇફ નામના રોબોટિક મશીનથી (Robotic Machine for Treatment of Cancer Patients) કરી શકાય છે.
આવો જાણીએ સાયબર નાઇફ - રોબોટ કેવી રીતે કાર્ય કરે છે ?
કેન્સર ગ્રસ્ત દર્દી કે જેને રેડિયોથેરાપી તકનીક દ્વારા રેડિએશન આપવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તેવા પ્રકારના દર્દીઓ માટે સાયબર નાઇફ –રોબોટ આશીર્વાદ રૂપ છે. કેન્સર ગ્રસ્ત દર્દી માટે જ્યારે રેડિએશનના ડોઝ નક્કી કરવામાં આવે છે. ત્યારે સામાન્ય પ્રકારના મશીનમાં કેન્સરગ્રસ્ત ભાગ સિવાયના અન્ય ભાગ પર પણ આ ડોઝની અસર થવાની સંભાવના રહેલી હોય છે. જ્યારે સાયબર નાઇફ મશીન દ્વારા કેન્સરગ્રસ્ત ભાગ પર જ લક્ષ્ય સાધીને રેડિયો થેરાપી ડોઝ આપવામાં આવે છે. જેના કારણે શરીરની અન્ય ટીસ્યુ(પેશીઓ) પર આડઅસરની સંભાવના નહિવત બને છે.
ચહેરાનું માપ લઈને સારવાર
આ સારવારને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. જેમાં પ્રથમ રેડિયોથેરાપીની જરૂરિયાત ધરાવતા દર્દીના ચહેરાના માપનું સિટી સિમ્યુલેટરની મદદથી ઓર ફીટ બનાવવા માટે દર્દીના ચહેરાનું માપ લેવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ પ્લાનીંગ સિસ્ટમ દ્વારા સમગ્ર સારવાર અને ઓર ફીટ તૈયાર કરીને બે દિવસના અંતરાલ બાદ દર્દીને રેડિયોથેરાપી માટે બોલાવવામાં આવે છે. દર્દીને સાયબર નાઇફ ટ્રીટમેન્ટમાં રૂમમાં મૂકવામાં આવેલા ટેબલ પર સૂવડાવીને કોમ્પ્યુટર દ્વારા નક્કી કરવામાં આવેલા ડોઝ સેટ કરીને દર્દીના ચહેરા પર ઓરફિટ પહેરાવી રોબોટિક દ્વારા સમગ્ર થેરાપીની શરૂઆત કરવામાં આવે છે. સાઇબર નાઇફની સારવાર અડધા થી પોણા કલાક સુધી ચાલે છે. જેમાં રોબોટ 360 ડિગ્રી રોટેશન કરીને કેન્સરગ્રસ્ત ભાગ પર સચોટ રીતે સારવાર કરે છે.