અમદાવાદઃ15 મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ 2023-24 રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરતા નાણા પ્રધાન કનુ દેસાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15,182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા 10 લાખ સુધી વધારી દેવામાં આવી છે.
આરોગ્ય કેન્દ્રોની સુવિધા વધારવા જોગવાઈઃ આ બજેટમાં જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9,262 કરોડ રૂપિયાની જોગવાઈ, આરોગ્ય સેવાઓ અને બિનસંચારી રોગોની અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1,745 કરોડ રૂપિયાની જોગવાઈ, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ્ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા 1,600 કરોડ રૂપિયાની જોગવાઈ, 15મા નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકીય સગવડો અને નિદાન સુવિધા વધારવા માટે 643 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
વિવિધ પ્રોજેક્ટ પાઈપલાઈનમાંઃ ઉપરાંત આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમ જ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કની સહાયથી 4,200 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલા શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત આગામી વર્ષ માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ. જ્યારે કસ્તૂરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે મહિલાલક્ષી યોજના માટે 324 કરોડ રૂપિયાની જોગવાઈ. તો શહેરી આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા 250 કરોડ રૂપિયાની જોગવાઈ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના નવીન મકાન બાંધકામ માટે 71 કરોડની જોગવાઈ.
નવજાત શિશુઓ માટે સુવિધાઃ નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત્ SNCUની સંખ્યામાં 50નો વધારો કરવામાં આવશે, જે માટે 24 કરોડ રૂપિયાની જોગવાઈ. 50 અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાત ડોક્ટર્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ.
તબીબી સેવાઓઃતબીબી સેવાઓ માટે કુલ 1,278 કરોડ રૂપિયાની જોગવાઈ. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ. જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ્સના બાંધકામ તથા હયાત હોસ્પિટલ્સના સુદ્રઢીકરણ માટે 57 કરોડની જોગવાઈ. એમ્બુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી 198 એમ્બુલન્સ વસાવવા માટે 55 કરોડની જોગવાઈ.