અમદાવાદઃગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે (શુક્રવારે) નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ 2023-24 રજૂ કર્યું હતું. આ બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5,580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃTourism Budget 2023: પ્રવાસન ક્ષેત્રને વેગ, દ્વારકાનું થશે પુન:નિર્માણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં બનશે ડ્રાઈવ ઈન સફારી
સરકાર સંવેદનશીલઃ નાણા પ્રધાને જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમ જ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઈ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે.
સામાજિક ઉત્કર્ષઃ નાણા પ્રધાને સામાજિક ઉત્કર્ષ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1,340 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ, બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે 50,000 લાભાર્થીઓ માટે 60 કરોડની જોગવાઈ છે.
એસટી બસમાં નિઃશુલ્ક પ્રવાસનો લાભ આપવા જોગવાઈઃ નાણા પ્રધાને ઉમેર્યું હતું કે, દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં નિઃશુલ્ક પ્રવાસનો લાભ આપવા 52 કરોડની જોગવાઈ. તો પાલક માતાપિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે 73 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પાલક માતાપિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે 2 લાખની સહાય આપવા 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનારા વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલી મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સમૂહલગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈઃ નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ માટે ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નસહાય યોજનામાં 2.5 લાખ રૂપિયા સહાય આપવા માટે 20 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે 54 કરોડની જોગવાઈ, દિવ્યાંગ લગ્નસહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઈ, સાતફેરા સમૂહલગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શૈક્ષણિક ઉત્કર્ષ અંગે જોગવાઈઃ શૈક્ષણિક ઉત્કર્ષ અંગે નાણા પ્રધાને જણાવ્યું હતું કે, પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે 10 લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને 4,000થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે 562 કરોડ રૂપિયાની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 376 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 37 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 334 કરોડની જોગવાઈ.
ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા જોગવાઈઃ નાણા પ્રધાને ઉંમેર્યું હતું કે, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ-ઈન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1,10,000 વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે 324 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે 600 વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે 84 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કૉલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે 21 કરોડની જોગવાઈ, ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 2 લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત 75 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શિષ્યવૃત્તિ માટે જોગવાઈઃ નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા 1 કરોડ રૂપિયાની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા 1 કરોડની જોગવાઈ,
યુવાનોને સ્વરોજગારી માટે જોગવાઈઃ આર્થિક ઉત્કર્ષ અંગે નાણા પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે 9 જેટલા ખાસ નિગમોની રચના કરી છે, જેના મારફતે લાભાર્થીઓને લોન આપવા માટે 166 કરોડ રૂપિયાની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા 56 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃGujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો
આવાસ યોજના માટે જોગવાઈઃ નાણા પ્રધાન કનુ દેસાઈએ ઉમેર્યું હતું કે, આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજના માટે 222 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ. આંબેડકર ભવન બાંધવા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરાઈ છે.