અમદાવાદઃગઈકાલે 4 ડિસેમ્બરે પ્રો કબડ્ડી લીગમાં બંગાળ વોરિયર્સે બાજી મારી, સમગ્ર મેચ દરમિયાન બંગાળ વોરિયર્સનો દબદબો રહ્યો પરંતુ બેંગલુરૂ બુલ્સે અંતિમ મિનિટોમાં જોરદાર લડત આપીને મેચને રસાકસીવાળી બનાવી દીધી હતી. જોકે, ટ્રાન્સસ્ટેડિયાના એકા એરેના ખાતે અંતે વોરિયર્સે 32-30ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. સિઝનમાં પ્રથમ વખત મનીન્દર સિંહના 11 પોઈન્ટે બંગાળ વોરિયર્સના વિજયમાં મુખ્ય ભૂમિકા નિભાવી.
બંગાળ વોરિયર્સનો દબદબો: મનીન્દરે તેની પ્રથમ રેઈડમાં ટચપોઈન્ટ સાથે બોનસ પોઈન્ટ મેળવીને બંગાળને સરસાઈ અપાવી હતી, અને એક રાઈડર તરીકે પોતાની શક્તિનો પરચો આપ્યો હતો. બીજી બાજુ ભરતે તેની પ્રથમ જ રેઈડમાં સારું પ્રદર્શન કરીને રમતને રસપ્રદ બનાવી હતી. જેના લીધે બેંગલુરૂ બુલ્સ રમતમાં ફાવી શક્યુ નહીં અને આદિત્ય શિંદેની ડૂ ઓર ડાય રેઈડથી પણ હારનો સામનો કરવો પડ્યો.
બંગાલુરૂ બુલ્સ Vs બંગાળ વોરિયર્સ: વોરિયર્સે નિયમિત અંતરાલમાં બુલ્સને ટક્કર આપવાનું ચાલું રાખ્યું પરંતુ નિરજ નારવાલની સુપર રેઈડે બાજીને રોમાંચક બનાવી દીધી અને હાફ ટાઈમે સ્કોર 14-11નો રહ્યો હતો. બીજા હાફમાં વોરિયર્સે શરૂઆતની મિનિટોમાં જ તેમની સરસાઈ વધારી લીધી હતી. મનીન્દર સિંહેના ઓલઆઉટ પ્રયાસથી મળેલા આઠ પોઈન્ટથી સ્કોર 23-15 થઈ ગયો હતો.
બંગાળ વોરિયર્સની શાનદાર જીત: જોકે, બેંગલુરૂએ ધીરે ધીરે તેમની રમતને મજબૂત બનાવી અને રમત પૂરી થવાની છ મિનિટ બાકી હતી ત્યારે ઓલ આઉટ સાથે તેમણે અંતર ઘટાડીને બે પોઈન્ટનું કર્યું હતું. મેચની ત્રણ મિનિટ બાકી હતી ત્યારે ટીમે 28 પોઈન્ટ કરી લીધા હતા. મેચની છેલ્લી મિનિટમાં વિશ્વાની રેઈડ અને દર્પણના ટેકલે બંગાળ વોરિયર્સને વિજય અપાવ્યો હતો.
- પ્રો કબડ્ડી લીગમાં યુપી યોધ્ધાને 34-31થી હરાવીને યુ મુમ્બાની વિજયી શરૂઆત
- પ્રો કબડ્ડી પ્રિમિયર લીગ, અજિંક્ય પવારના શાનદાર પ્રદર્શનથી તમિલ થલાઈવ્સે દબંગ દિલ્હીને આપી ધોબી પછાડ