અમદાવાદ : કોન્ટ્રાક્ટ કેરેજની બસને રાતના નવ કલાકથી સવારના પાંચ કલાક સુધી ચલાવવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રવર્તતા કોવિડ વાઈરસના ચેપની સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ કેરેજમાં કંપનીના કર્મચારીઓને લઈ જતી, શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી બસનો સમાવેશ થાય છે, પરંતુ તેમને પેસેન્જર જ ન મળતા હોવાથી આ છૂટ તેમને માટે લાભદાયી બની શકે તેમ નથી. તો બીજી બાજુ ડીઝલના ભાવમાં પણ ભડકો થતાં અને પેસેન્જર પણ વધારે ન મળતા ટ્રાવેલ્સ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે સાધારણ વર્ષમાં આ મહિનાઓમાં બુકિંગ ઓછું મળતું હોય છે. તેમાં પણ આ વર્ષે કોરોનાના કારણે 80 ટકા બુકિંગ ઓછું છે.
અનલોક-2માં ખાનગી ટ્રાવેલ્સને નવ કલાક સુધીની મંજૂરી તો મળી, પરંતુ પ્રવાસીઓ ક્યાં? - Private travels are allowed up to nine hours
અનલોક-2માં હવે ખાનગી ટ્રાવેલ્સને રાત્રે 9 કલાકથી સવારના 5 કલાક સુધી ચલાવવાની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. આ નિર્ણયને ટ્રાવેલ્સ સંચાલકોએ આવકાર્યો છે. પરંતુ ડીઝલના ભાવ અને કોરોનાના ભયના કારણે બુકિંગ ઓછું થતાં તેમના માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.
કોરોનાના ફફડાટને કારણે કોઈ પ્રવાસ કરવા આગળ આવતું નથી. શહેરી વિસ્તારમાંથી આ બસ દોડે તો 50 ટકા પેસેન્જરની ક્ષમતા સાથે બસ દોડાવવાની રહે છે. તેમાં વળી ડિઝલના ભાવ વધી રહ્યા હોવાથી બસ દોડાવવી મોંઘી પડી રહી છે. ત્રીજુ લૉકડાઉન પૂરુ થયા બાદ અનલૉક -1 માં ડ્રાઈવરો પોતાના માદરે વતન ગયા હોવાથી પણ કોન્ટ્રાક્ટ કેરેજની બસના માલિકોની હાલત ખરાબ થઈ છે. તેથી સરકારની આ જાહેરાતનો ખાસ કોઈ લાભ લઈ શકે તેમ નથી. તો બીજી તરફ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા જે બસને આવવામાં થોડું મોડું થાય તો તેને થોડી રાહત આપવા માટે પણ વિનંતી કરી રહ્યા છે.