અમદાવાદઃ અગાઉ હાઇકોર્ટે કોઈપણ પ્રકારની ફી ન વસૂલવાના શિક્ષણ વિભાગના ઠરાવમાં ફી ન વસૂલવા મુદ્દે ચોથો ક્લોસને રદ્દ જાહેર કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશમાં જણાવ્યું કે, ટ્યુશન ફી મુદ્દે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ.
આ મુદ્દે વાતચીત કરતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે અમે શાળા અને વાલીઓ સાથે બેઠક કરી ટૂંક સમયમાં મધ્યસ્થી નિણર્ય લઈશું. આ અંગેનો નવો પણ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી મુદ્દે નવો નિણર્ય લેવામાં આવે, ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચૂકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે, જેમાં ફી કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે, તેવું સુત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, જો રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે તો આવી કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય નહીં. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, વાલીઓ કેમ ફી ભરી શકતા નથી. જેના જવાબમાં સરકારે કહ્યું કે આર્થિક સમસ્યાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉધડો લેતા કહ્યું કે, જો વાલીઓ પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા નથી, તો રાજ્ય સરકાર તેમની મદદ કેમ કરતી નથી. સરકાર સુવિધાઓ પુરી પાડી શકી નથી ત્યારે જ ખાનગી શાળાઓ શરૂ થઈ છે.
કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી સામે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે. જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસુલી શકશે નહિ. જે વાલીઓએ ફી ભરી દીધી છે. એ શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.