ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે આજે ફક્ત અમદાવાદમાં જ 50 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. ડોક્ટરોની પૂરતી સંખ્યા અને મેડિકલ- પેરામેડિકલ સ્ટાફને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે ચર્ચા કરી હતી અને ગુજરાતમાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદે આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખાનગી ડોક્ટરો પણ કોરોના જંગમાં જોડાશે, મુખ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સથી કરી ચર્ચા - ખાનગી ડૉકટર્સ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે ચર્ચા કરી હતી.ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદે આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ સૂરતમાંં સ્પેશિયલ કોરોના માટેની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જ્યારે જિલ્લાઓમાં પણ કોરોના હોસ્પિટલ તૈયાર કરીને 9,500 બેડની ક્ષમતા સાથે સરકાર તૈયાર છે. રાજ્યમાં ડોક્ટરોની અછત ન સર્જાય તે માટે હવે ખાનગી ડૉક્ટર પણ સરકારનો સાથ આપશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે થયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ખાનગી પ્રેક્ટિસ કરતાં ડોક્ટર મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાયાં હતાં અને તેઓએ કોરોના સામે લડવા માટે સરકારને સાથ આપવાનું આશ્વાસન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ખાનગી ડૉકટરની સંખ્યા વધુ પ્રમાણમાં છે.
સીએમ રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયાં હતાં. કેસ વધે તો પણ તમામ વ્યવસ્થા છે. રાજ્યમાં કુલ 1000 જેટલા ફિજિશિયન જોડાશે. ત્યારબાદ રાજ્યકક્ષાએ સંકલન સમિતિની રચના કરવામાં આવશે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધિકારીઓ પણ કમિટીમાં રહેશે.