ગાંધીનગર : અંગદાન ક્ષેત્રે ગુજરાતની અપ્રતિમ સિદ્ધિ સામે આવી રહી છે. રાજ્ય સરકારની SOTTO State Organ Tissue Transplant Organization સંસ્થાને અંગદાન ક્ષેત્રે નવીનીકરણ પહેલ માટે પ્રધાનમંત્રી એવોર્ડ મળશે. 21 એપ્રિલે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના સંસ્થાને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થશે. સોટ્ટો તરીકે ઓળખાતી આ સંસ્થા કાર્યરત થયાના 4 વર્ષમાં 1050થી વધુ અંગોનું દાન મળ્યું છે. તેમ જ છેલ્લા ચાર વર્ષમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ 3400થી વધુ અંગોના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
21 એપ્રિલે એનાયત થશે :ગુજરાતની અંગદાન ક્ષેત્રની સેવાકીય પ્રવૃતિઓની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચી છે. કેન્દ્ર સરકારના પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારના SOTTO (State Organ Tissue Transplant Organization) સંસ્થાને અંગદાન ક્ષેત્રના નવીનીકરણ પહેલ માટે પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. 21 એપ્રિલ સિવિલ સર્વિસીઝ ડે ઉપલક્ષ્યમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોટ્ટોને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચો Surat News : એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ
આરોગ્યપ્રધાને તબીબોને સમર્પિત કર્યો એવોર્ડ : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કેરાજ્ય સરકારના સોટ્ટો એકમ દ્વારા વર્ષ 2019થી રાજ્યમાં અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. આ સિદ્ધિ અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે દિવસ રાતના અથાગ પરિશ્રમ અને મહેનત કરીને જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સેવારત તબીબો સાથેના તમામ સ્ટાફને સમર્પિત છે.
સોટ્ટોનો ભગીરથ પ્રયાસ : SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, વર્ષ 2019થી કાર્યરત SOTTO ના પ્રયાસોથી છેલ્લા 4 વર્ષોમાં ૩૫૪ અંગદાતાઓ દ્વારા મળેલા 1078 અંગોને જરૂરિયાતમંદોમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. વધુમાં SOTTO દ્વારા લાઇવ અને અંગદાનમાં મળેલ કેડેવર જોઇએ તો અત્યાર સુધીમાં કુલ 3409 કેડેવરનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. રાજયમાં હાલ ખાનગી અને સરકારી મળીને કુલ 102 જેટલી હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ એટલે કે અંગદાનની પ્રક્રિયા માટે રજીસ્ટર થયેલ છે. સોટ્ટોની આ પહેલના પરિણામે ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં” એવોર્ડ મળવા જઇ રહ્યો છે.
આ પણ વાંચો વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે
ઓર્ગન ડોનેશન ગાઇડ લાઇન : વર્ષ 2019માં SOTTO દ્વારા G-DOT (Gujarat Deceased Doner Organ and Tissue Tranplantation) અંતર્ગત ગાઇડ લાઇન બનાવીને ઓર્ગન ડોનેશન અને તેના ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવીને નિયંત્રીત કરવામાં આવી છે.જેના અંતર્ગત વિવિધ સ્કોર અંતર્ગત અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે બેસ્ટ ફીટ વ્યક્તિ અને અત્યંત જરૂરિયાતમંદ દર્દીને પ્રાથમિકતા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. મહિલાઓ અને બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અગાઉ ખાનગી હોસ્પિટલમાં સીમિત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટને સરકારી હોસ્પિટલોમાં પણ વેગવંતુ બનાવાયું છે.
ખર્ચ નિયંત્રિત કરવામાં સફળતા :અત્યંત ખર્ચાળ અને મોંધી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્માન યોજના હેઠળ આવરી લઇને સંપૂર્ણપણે નિ:શુલ્ક બનાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત નિધિ હેઠળ આવરી લઇને દર્દી માટે ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ નહીવત અથવા દર્દીને પરવડે તે મર્યાદામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો તેના સારા પરિણામ મળ્યાં છે. સોટ્ટો ગુજરાત અને GUTS(Gujarat University of Transplant Sciences) કુશળ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો, ચિકિત્સકો, ફિઝીયોથેરાપી અને નર્સોની સંખ્યા વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સેવા, શિક્ષણ અને સંશોધનના મૂલ્યોને સોટ્ટો ગુજરાતના કાર્ય સાથે સંકલિત કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાન સંબંધિત પોઈન્ટ સિસ્ટમ દ્વારા અંગોની ફાળવણીની સમગ્ર પ્રક્રિયા દેશમાં અનન્ય બની રહી છે.