લો-ગાર્ડનના સ્થાને "હેપ્પી સ્ટ્રીટ" સ્થાપવા હાઇકોર્ટમાં કરાઇ રજૂઆત - ખાઉગલી
અમદાવાદ: શહેરમાં આવેલા લો ગાર્ડનની ખાઉં ગલીમાંથી હટાવવામાં આવેલા ખાણી-પીણીના દુકાનદારોને ‘હેપ્પી સ્ટ્રીટ’માં પ્રાથમિકતા આપવા મુદ્દે કોર્પોરેશન હાઇકોર્ટ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે,‘હેપ્પી સ્ટ્રીટ"ને વિકસાવવા માટે ખાણી-પીણીના સ્ટોલ્સ અને ફૂડ વેન્સ માટે જગ્યાની ફાળવણી માટે ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં આવે. હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્જેએ હાલના તબક્કે આ કેસમાં રિટનો નિકાલ કર્યો હતો અને નોંધ્યું હતું કે,જો અરજદારોને કોઇ તકલીફ થાય તો તેઓ ભવિષ્યમાં આ અરજી રિવાઇવ કરાવી શકે છે.
આ સમગ્ર પ્રકરણમાં લો ગાર્ડની ખાઉગલીમાં વર્ષોથી ખાણીપીણીનો ધંધો કરતા પરતું ઓગસ્ટ 2018 માં ત્યાંથી દૂર કરી દેવાયેલાં 12 જેટલા વેપારીઓ દ્વારા એડવોકેટ અમિત પંચાલ અને એડવોકેટ અંગેશ પંચાલ મારફતે હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા તેમને હટાવવાનો નિર્ણયને ગેરકાયદે ઠેરવવાની માંગ કરી હતી. દરમિયાન એડવોકેટ પંચાલે એવી દલીલ કરી હતી કે,‘હેપ્પી સ્ટ્રીટ માટે ફૂડ વેન્સ માટે ટેન્ડરની જે પ્રક્રિયા કરવામાં આવી છે, તેમાં અરજદારોને પણ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. જો તેમની ઓફર ટેન્ડરમાં આવતી હાઇએસ્ટ ઓફર જેટલી હોય તો તેવા કિસ્સામાં તેમને પ્રાધાન્ય આપવામાં આવે.’આ રજૂઆતની સામે કોર્પોરેશન દ્વારા જૂના વેપારીઓની ઓફર પણ હાઇએસ્ટ ઓફર જેટલી હોય તો તેમને પ્રાથમિકતા આપવાની તૈયારી દર્શાવી હતી.