- સી પ્લેનના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા મોદી 31મીએ કેવડિયાથી અમદાવાદ આવશે
- મોદીની સુરક્ષાની આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ
- સી પ્લેનની સફરને લઇ રિવરફ્રન્ટ ખાતે ફાયર વિભાગની તૈયારીઓ શરૂ
અમદાવાદ: સી પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા 31મીએ કેવડિયાથી અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને અમદાવાદ પહોંચશે. ત્યારે તેમની સુરક્ષા અને અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો રેસ્કયુ માટે ફાયરબ્રિગેડ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેવીની ટીમો તહેનાત કરવામાં આવી છે. બે મોટી રેસ્કયુ એર બોટ મુકવામાં આવશે અને એક ફાયર ફાઈટીંગ બોટ મુકવામાં આવશે. એરોડ્રામ બિલ્ડીંગ ખાતે એક ફાયર ફાઇટર અને એક એમ્બ્યુલન્સ ઇમરજન્સી માટે હાજર રહેશે. ફાયરબ્રિગેડની સાથે નેવી અને સ્ટેટ ડિઝાસ્ટરની ટીમો પણ અમદાવાદ આવી પહોંચી છે.
સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્ક્યુ માટે બે મોટી એરબોટ રખાશે
અમદાવાદ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધીમાં પૂર્વ અને પશ્ચિમ છેડે એક એક મોટી એર બોટ મુકવામાં આવશે. જે પાંચ મિનિટમાં કોઈ પણ સ્થળે પહોંચી શકે છે. તેમજ એક ફાયર ફાઈટીંગ બોટ જે આંબેડકર બ્રિજ નીચે મુકવામાં આવશે. તેમજ અધિકારીઓ સહિત 16 જેટલા ફાયરના કર્મચારીઓ રેસ્કયુ માટે હાજર રહેશે. નદીમાં પ્લેનના આવવાના અને જવાના સમય પહેલા કોઈ મુવમેન્ટ કરવામાં નહિ આવે.