ચૂંટણીપંચે જવાબમાં કહ્યું ગત વિધાનસભાની ચૂંટણીમાં 44 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવાની માંગ કરાઈ હતી. જે પૈકી 23 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
અરજદારના વકીલ દિપેન દેસાઈ વતી રજુઆત કરવામાં આવી હતી કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતની ધાક-ધમકીથી કોઈપણ સ્થાનિક પોલિંગ એજન્ટ તરીકે હાજર રહેવા તૈયાર નથી, ત્યારે પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાંથી પોલિંગ એજન્ટની નિમણૂક કરવાની છુટ આપવામાં આવે જે માંગને હાઈકોર્ટે માન્ય રાખી છે. જ્યારે ધાક-ધમકીથી લોકો મતદાન કરવા બહાર આવતા નથી. તેને માટે મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવા અરજી દાખલ કરી જોકે હાઈકોર્ટે તેને આંશિક માન્ય રાખી છે.
ચૂંટણીપંચ વતી વકીલ મેધા જાનીએ દલીલ કરી કે અગાઉ પણ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને આ વખતની લોકસભા ચુંટણીની પોરબંદર બેઠકમાં 23 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે..તેમણે વધુમાં કહ્યું કે મતદાન મથક પર પોલિંગ એજન્ટ તો સ્થાનિક જ હોવો જોઈએ અને જો કોઈ કામ કરવા પોલિંગ એજન્ટ તરીકે હાજર રહેવા ન માંગતો હોય તો આસપાસના ગામમાંથી નિમણૂક કરવામાં આવે છે.
પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતોના ભયના કારણે પોલિંગ બુથ પર સ્થાનિક એજન્ટ હાજર ન રહેતા હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી મુદે હાઈકોર્ટે ચુંટણી પંચને નોટીસ પાઠવી હતી. લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર જિગનેશ રાન્કના ચુંટણી એજન્ટ રાજેશ શાખિયા દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.