ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : વધુ એક ગુનામાં પોલીસકર્મીની સંડોવણી સામે આવી, આરોપીને કોલ ડેટા રેકોર્ડ સપ્લાય કરનાર પોલીસકર્મી ઝડપાયો - અમદાવાદ શહેર પોલીસના ઝોન 5 DCP ઓફિસ

રાજ્યભરમાં છેલ્લા અમુક સમયથી ઘણાં ગુનાઓમાં પોલીસકર્મીઓની સંડોવણી સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ ઝોન 5 DCP ઓફિસમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ કાંડ કરી નાખ્યો છે. આ વ્યક્તિ અગાઉ સાયબર ક્રાઈમના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોલ રેકોર્ડિંગના ડેટા આપવાનું કામ કરતો હતો. જોકે હાલ પોલીસે આ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime News
Ahmedabad Crime News

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 10:00 PM IST

બોગસ સાયબર સિક્યોરિટી એક્સપર્ટને અનેક લોકોના કોલ ડેટા રેકોર્ડ સપ્લાય કરનાર પોલીસકર્મી ઝડપાયો

અમદાવાદ :પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ દ્વારા અનેક લોકોના કોલ રેકોર્ડના ડેટા એક આરોપીને આપવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. અગાઉ સાયબર ક્રાઈમે બોગસ સાયબર સિક્યોરિટી એક્સપર્ટની ધરપકડ કરી હતી. જેની ઓફિસમાં તપાસ કરતા આ ડેટા મળી આવ્યો હતો. તે ડેટા તેને આપનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

શું હતો મામલો ?અમદાવાદ સાયબર ક્રાઈમે ગત મહિને એક ગુનો દાખલ કર્યો હતો. જેમાં અમિત કુમારસિંઘ નામના એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપી પોતે નવરંગપુરા ખાતે અમીગો સાયબર સિક્યુરિટીના નામે ઓફીસ રાખી પોતે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ હોવાની વાત કરી CYBER PLUS DEFENCE ACADEMY INDIA LLP ના નામથી ધંધો કરતો હતો. જેની એક બોગસ દસ્તાવેજના કેસમાં ધરપકડ કરી તેની ઓફિસમાં સાયબર ક્રાઈમે તપાસ કરતા જુદા જુદા મોબાઈલ નંબરોના CDR કોલ રેકોર્ડ ડેટાની શીટ મળી આવી હતી.

કોલ રેકોર્ડ ડેટા :આ અંગે અમીતસિંઘની પૂછપરછ કરતા તેને આ ડેટા અમદાવાદ શહેર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિનય કથીરીયાએ આપ્યા હોવાનું ખુલ્યું હતું. વિનય કથીરીયા અમીતસિંઘની ઓફિસમાં સાયબર સિક્યોરિટીની ટ્રેનિંગ લેતો હતો. અમીતસિંઘ પાસે અલગ અલગ ગ્રાહકો આવતા તેઓની જરૂરિયાત મુજબ તે કોન્સ્ટેબલ પાસેથી ડેટા મેળવી આપતો હતો. જેના બદલામાં વિનય કથીરીયાને સમયાંતરે પૈસા પણ આપવામાં આવતા હતા.

અગાઉ કરેલા કેસમાં આરોપી અમિતસિંઘની ઓફિસમાંથી CDR ડેટા મળી આવતા તે ડેટા પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરીયાએ આપ્યો હોવાથી તેની પણ ધરપકડ કરાઈ છે. તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોના CDR મેળવ્યા અને આરોપીને આપ્યા તે દિશામાં તપાસ ચાલુ છે. -- જે.એમ યાદવ (ACP, સાયબર ક્રાઈમ અમદાવાદ)

પોલીસ તપાસ :આ મામલે સાયબર ક્રાઈમે વિનય કથીરિયાની ધરપકડ કરી છે. વિનય કથીરીયા અમદાવાદ શહેર પોલીસના ઝોન 5 DCP ઓફિસમાં ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તે વર્ષ 2017 થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો. સાયબર ક્રાઈમને હાલ તો 7-8 જેટલા લોકોના CDR મળી આવ્યા છે. જોકે પોલીસે વિનયના ઘરે તપાસ કરતા લેપટોપ અને મોબાઈલ પણ મળી આવ્યો છે. જેની તપાસ અને એનાલીસીસ શરૂ કરવામાં આવ્યું છે.

ભેજાબાજ આરોપી : સામાન્ય રીતે કોઈ પણ મોબાઈલ નંબરના કોલ ડેટા રેકોર્ડ જોઈતા હોય તો DCP કક્ષાના અધિકારીના સહી કરેલા લેટરપેડના આધારે જ ટેલિકોમ કંપની તે આપતી હોય છે. આ કિસ્સામાં વિનય કથીરીયા ટેક્નિકલ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવાથી તે અન્ય ગુનાઓમાં પણ કોલ ડિટેલ અધિકારીના સહી સાથેના લેટરપેડને મેઈલ કરી મંગાવતો હતો. જેમાં અમીતસિંઘને જે નંબરોની ડિટેલ કઢાવવી હોય તે નંબરો પણ તેમાં ઉમેરી કોલ ડેટા રેકોર્ડ મંગાવી લેતો હતો.

આરોપી પોલીસકર્મી ઝડપાયો : આ મામલે સાયબર ક્રાઈમે કોન્સ્ટેબલ વિનય કથીરીયાની ધરપકડ કરી તેના 10 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેમજ વિનય કથીરીયા સામે પ્રીવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ ઉમેરવાની તજવીજ હાથ ધરાઈ છે.

  1. Ahmedabad Crime News: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડના મુખ્ય આરોપી ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી
  2. Ahmedabad Crime: મેઘાણીનગરમાં તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી 10.74 લાખની કરી ચોરી

ABOUT THE AUTHOR

...view details