અમદાવાદ : આ સમગ્ર આયોજનને લઇને અજય તોમરે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત-સુરક્ષા માટે એરપોર્ટ પર સ્વાગત અને સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. જો કે, હાલ એરપોર્ટ પર આગમનનો સમય હજુ નક્કી નથી. તેેઓએ વધુમાં જણાવ્યું કે સાબરમતી આશ્રમ અંગે જે હશે તેને આખરી ઓપ આપીશુ. SPG, NSG, ATS, RAF, ક્રાઈમ બ્રાંચના સંકલન હેઠળ હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે રોડ શોના રૂટ પર પુરતી વ્યવસ્થા રાખવામાં આવશે અને ટેકનીકલ તરીકે DRDOના એન્ટી ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.
વધુમાં જણાવતા તોમરે કહ્યું કે એક પાસ પર એક જ વ્યક્તિને પ્રવેશ અપાશે. આ સિવાય પાર્કિંગ અંગે જણાવ્યું કે પાર્કિંગની વ્યવસ્થા 2 કિમી સુધીમાં રાખવામાં આવી છે અને તે માટે 3 વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ટ્રમ્પનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ રોડ શો યોજાશે. તેની સાથે સાથે પોલીસે સાબરમતી આશ્રમમાં પણ બંદોબસ્ત ગોઠવ્યો છે અને પોલીસને સાબરમતી આશ્રમના કાર્યકમ રદ થવા અંગે કોઈ માહિતી નથી. સુરક્ષા માટે અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં રહેશે. લેટેસ્ટ ટેકનોલોજી સાથે ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં મદદરૂપ થશે. જ્યારે ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને બેરિકેડ પણ રાખવામાં આવશે.