Ahmedabad Jagannath Rath Yatra 2023 : રથયાત્રામાં ટ્રાફિકમાં ન ફસાવું હોય તો જાણી લો અમદાવાદમાં કયા રૂટ રહેશે બંધ...
ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20મી જૂને નીકળનારી છે, ત્યારે તેને લઈને અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના ડાયવર્ઝન અને નો પાર્કિંગ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રાને નિહાળવા માટે વિશાળ સંખ્યામાં ભક્તોની ભીડ રૂટ ઉપર રહેતી હોય વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે પોલીસે અપીલ કરી છે.
વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ
By
Published : Jun 19, 2023, 3:22 PM IST
|
Updated : Jun 19, 2023, 4:40 PM IST
વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ
અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જાહેરનામાનો અમલ 19 જૂન 2023 ના કલાક રાત્રે 12 કલાકથી 20 જૂન 2023ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.
રથયાત્રાનો 21 કિલોમીટરનો રૂટ :જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે નીકળી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ગોળલીમડા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ થઈને સરસપુર જાય છે. તેમજ બપોરે સરસપુર વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળી કાલુપુર બ્રિજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમ પોળ, આર.સી હાઇસ્કુલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલાઓળ, સાંકળી શેરીના નાખે થઈ માણેકચોક શાકમાર્કેટ, દાણાપીઠ રોડ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી જગન્નાથ મંદિર પરત આવશે. 21 કિલોમીટરના રૂટ પર ટ્રાફિક અને પાર્કિંગને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.
અમદાવાદમાં કયા રૂટ રહેશે બંધ
" રથયાત્રાને લઈને ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગને લઈને ખાસ આયોજન કરાયું છે. વાહન ચાલકો વૈકલ્પિક રૂટ પરથી પસાર થાય, ગીતામંદિર એસ.ટી બસ સ્ટેન્ડ, કાલુપુર રેલવે સ્ટેશન અને લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડ તમામ જગ્યાઓ પર મુસાફરો ડાયવર્ઝન રૂટ પરથી અવરજવર કરી શકશે. કાલુપુર રેલવે સ્ટેશન, શાહપુર અને દિલ્હી દરવાજા સુધી મેટ્રો આવતી હોય ભક્તોને મેટ્રો અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અમારી વિનંતી છે." - નીતા દેસાઈ, DCP, અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક
રથયાત્રાના દિવસે બંધ રહેનારા રૂટ નીચે મુજબ છે:-
રૂટ નંબર 1: ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજાર સુધીનો રસ્તો રાત્રે બે વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
રૂટ નંબર 2: રાયખડ ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજા સુધીનો રૂટ સવારે 5 વાગેથી 11 વાગ્યા સુધી અને સાંજે 5 વાગેથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.
રૂટ નંબર 3:આસ્ટોડિયા ચકલાથી કાલુપુર સર્કલ સુધીનો રૂટ સવારે 9 વાગે થી સાંજે સાડા 4 વાગે સુધી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: ઉપરોક્ત ત્રણ રુટ ઉપર અલગ અલગ સમયે રસ્તાઓ બંધ હોવાથી રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ ફુલ બજાર, જમાલપુર બ્રિજ, ગીતામંદિર થઈને અવરજવર કરી શકાશે, જ્યારે રાયખડ ચાર રસ્તાથી જમાલપુર, ગાયકવાડ હવેલી તરફ જઈ શકાશે અને આસ્ટોડિયા ચાર રસ્તાથી ગીતામંદિર જમાલપુર બ્રિજ અને સરદાર થઈને થઈને પાલડી તરફ થઈ અવરજવર કરી શકાશે.
રૂટ નંબર 4: સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલ અને કાલુપુર સરસપુર સુધીનો રસ્તો સવારે 9 વાગે થી સાંજે સાડા 4 વાગ્યા સુધી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: વાહનચાલકો કામદાર ચાર રસ્તાથી અનિલ સ્ટાર્ચ મિલ રોડ, હરિભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ અને ચમનપુરા સર્કલ તરફ અને અસારવા બ્રિજથી ઈદગાહ સર્કલ તરફથી પસાર થઈ શકશે.
રૂટ નંબર 5: કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા દરિયાપુર દરવાજા અને દિલ્હી ચકલા તરફનો રૂટ સવારે 9:30 વાગેથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ:જેના વિકલ્પમાં ઇન્કમટેક્સ ચાર રસ્તાથી ગાંધી બ્રિજ, રાહત સર્કલ અને દિલ્હી દરવાજા તેમજ ઇદગાહ સર્કલ જઈ શકાશે.
રૂટ નંબર 6:દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી હાઇસ્કુલ, ઘીકાંટા ચાર રસ્તા, પાનકોરનાકા, માણેકચોક અને ગોળ લીમડા તરફનો રસ્તો સાંજે 5:30 થી રથયાત્રા ખમાસા પસાર થાય ત્યાં સુધી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: વૈકલ્પિક રૂટ તરીકે વાહન ચાલકો દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તા ભવન્સ કોલેજ રોડ, લેમનટી હોટલ, રૂપાલીથી વીજળીઘર થઈને લાલ દરવાજા તરફ અવર-જવર કરી શકશે.
નો પાર્કિંગ ઝોન વિસ્તાર ક્યાં:રથયાત્રાના દિવસે શહેરમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય ત્યારે અલગ અલગ જગ્યા ઉપર રથયાત્રા પસાર થવાની હોય તેને લઈને 19 તેમજ 20 મી જુને રથયાત્રા રૂટ પરના અનેક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા (બીઆરટીએસ રોડ સહિત) મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલાઓળ, સાંકળી શેરીના નાકે થઈ માણેકચોક શાકમાર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર આ સમગ્ર રૂટ 19મી જૂનથી 20મી જૂનના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા: ભગવાન જગન્નાથની રથયાત્રા સમયે જગન્નાથ મંદિર અને સરસપુર મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી તેઓના વાહન પાર્ક કરવા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. જગન્નાથ મંદિર આવનાર ભક્તો પોતાના વાહનો ફૂલ બજાર, તેમજ રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ પાસેની ખુલ્લી પાર્કિંગ જગ્યામાં પાર્ક કરી શકશે તેમજ સરસપુર મંદિર આવનાર ભક્તો માટે વિક્રમ મિલ કમ્પાઉન્ડ અને ખંડાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી ભક્તો દર્શન માટે આવતા હોય સાબરમતી નદી પરના તમામ બ્રિજ વાહનોની અવરજવર માટે ચાલુ જ રાખવામાં આવ્યા છે.
મુસાફરો માટે વ્યવસ્થા:અમદાવાદમાં દર વર્ષે રથયાત્રાના સમયગાળા દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશનથી અન્ય જગ્યાઓ પર મુસાફરી કરવા માટે જનારા તેમજ અન્ય જગ્યાઓ પરથી કાલુપુર રેલવે સ્ટેશન પર આવીને શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર જવા માટે બહાર નીકળેલા મુસાફરોને હાલાકી પડતી હોય છે. તેવામાં આ વખતે દરિયાપુર પ્રેમ દરવાજા ચાર રસ્તેથી બેરિકેટીંગ કરી રસ્તો વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાથી શહેર પોલીસ દ્વારા 32 સીટની SML ગાડી મુસાફરોને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મુકવા માટે રાખવામાં આવી છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ દરિયાપુર સુધી વાહનોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવી શકશે અને ત્યાંથી પોલીસના વાહનોમાં કાલુપુર રેલવે સ્ટેશન જઈ શકશે.