અમદાવાદ : રાજ્યભરમાં એક તરફ જ્યાં વ્યાજખોરો સામે પગલાં ભરવા માટે પોલીસ દ્વારા લોક દરબાર સહિતના અભિયાન યોજવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મહિલાએ વ્યાજખોર પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ધંધામાં કામ માટે વ્યાજે લીધેલા પૈસાની સામે વ્યાજ અને મૂડી ભરી દીધી હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
શું હતો સમગ્ર મામલો વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતાં 53 વર્ષીય દેવાંગનાબેન પંચાલે આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાન્યુઆરી 2022માં તેઓને ધંધામાં પૈસાની જરૂર હોવાથી તેઓએ લગ્ન સમયના ઘરેણા 0.7 ટકા વ્યાજથી ગીરવે મૂકીને પાંચ લાખ રૂપિયાની લોન IIFL માંથી લીધી હતી. તે સમયે IIFLમાં નોકરી કરતા તુષાર નામના વ્યક્તિએ તેઓની ઓળખાણ સાગર નાયડુ સાથે કરાવી હતી. સાગર નાયડુએ મહિલાનો પરિચય નવરંગપુરા વિસ્તારમાં દાગીના ઉપર નાણાં ધીરવાનું કામ કરતાં લોકેશ સુભાષ શર્મા સાથે કરાવી હતી.
દાગીના પર વ્યાજે રુપીયા બંને પિતા પુત્રએ ન્યૂનતમ દરથી દાગીના ગીરવે લેતા હોવાની વાત કરતા મહિલાને વધુ રકમની જરૂર પડતી હોવાથી તેઓએ લોકેશ તથા તેના પિતા સુભાષ શર્માને વાતચીત કરતા તેઓએ સોનાના દાગીના ઉપર 8 લાખ 53 હજારની લોન આપવાનું જણાવ્યું હતું. જેથી તેઓએ બેંકમાંથી દાગીના છોડાવીને તે સોનું 2.25 ટકા માસિક વ્યાજથી લોકેશ શર્માના ત્યાં ગીરવે મૂકી 8 લાખ 53 હજાર રૂપિયાની લોન લીધી હતી. જે બાદ તેઓને વધુ પૈસાની જરૂર પડતા તેઓએ અન્ય ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરતા તેઓના દાગીના પર 8 લાખ જેટલી લોન મળતી હોવાથી તેઓએ સુભાષ શર્મા અને લોકેશ શર્માને વ્યાજ સહિતની રકમ ચૂકવી તેઓના સોનાના દાગીના 2022માં છોડાવી લીધા હતા.
6 લાખની લોન ફરિયાદી મહિલાએ સોનાના દાગીના ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં વ્યાજે ગીરવે મૂકીને 6 લાખની લોન લીધી હતી. તે સમયે તેઓના મિત્ર દ્વારા તે જ કંપનીમાં જગ્યાએ દાગીના ગીરવે મૂક્યા હતા. જોકે તેઓના ભાઈને વધુ રકમની જરૂર હોવાથી તેઓએ ત્યાંથી દાગીના છોડાવી લોકેશ અને સુભાષ શર્માને ત્યાં દાગીના ગીરવે મૂકી 11 લાખ 60 હજારની લોન માસિક 2.25 ટકાના વ્યાજથી લીધી હતી.