અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22મી માર્ચે અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવવાના હતાં, પરંતુ કોરોના વાયરસને કારણે તેમણે ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે.
કોરોના વાયરસને લીધે PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ મોકૂફ - અમદાવાદ ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22મી માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના હતાં. પરંતુ કોરોના વાયરસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ગુજરાત પ્રવાસ મોકૂફ રાખ્યો છે. આ અંગેની નવી તારીખોની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
![કોરોના વાયરસને લીધે PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ મોકૂફ pm narendra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6394807-thumbnail-3x2-pm.jpg)
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 21 માર્ચ અને 22મી માર્ચનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 21મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી BS 6 ધોરણ હેઠળના પેટ્રોલ અને ડીઝલનું લોન્ચિંગ કરનાર હતાં. તેમજ 22મી માર્ચે જૂનાગઢથી ખેડૂતોને દિવસે વીજળી આપવા ગુજરાત સરકારે જાહેર કરેલી દિનકર યોજનાનો પ્રારંભ કરવાના હતા.
અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં નવી બનેલી યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના હતાં. તેમજ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી તેમજ બોટિંગ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાના હતાં, પરંતુ કોરોના વાયરસને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.