અમદાવાદ : અંબાજીના આરાસુરી માતાના મંદિરનો ઈતિહાસ રોચક રહ્યો છે. અરવલ્લી ગિરિમાળામાં સ્થિત અંબાજીમાં આરાસુર મંદિર, ગબ્બર અને કોટેશ્વરના દર્શને ભાવી ભક્તો આવે છે. અંબાજી મંદિરમાં 51 શબ્દોના વીશા શ્રી યંત્રની પૂજા થાય છે. એટલે કે ભક્તો જ્યાં શિશ ઝૂકાવે છે તે અંબાજીમાં માતા અંબા મૂર્તિરુપે નહીં, યંત્ર સ્વરુપે પૂજિત થાય છે. આવા શક્તિપીઠ અંબાજીની પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી એ મંદિરની મુલાકાત અનેક પૂર્વ વડાપ્રધાનોએ લીધી છે.
શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંધાન વીશા શ્રી યંત્ર અંગે એવી માન્યતા છે કે, આ શ્રી યંત્ર ઉજ્જૈન અને નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે. દર આઠમે આ યંત્રની પૂજા થાય છે. વર્ષ આખું અંબાજી ખાતે તીર્થયાત્રીઓ આવે છે. એવું મનાય છે કે, અંબાજીની આસપાસ સરસ્વતી નદી વહેતી હતી. અંબાજી મંદિર નજીક આવેલ ગબ્બરની ગુફા એ અંબામાતાનું આદિસ્થાન છે. દર મહિનાની પૂનમે હજારો ભક્તો અંબેમાના દર્શને આવે છે.
પુરાણ પ્રસિદ્ધ અંબાજી મંદિરની છે અનેક વિશેષતા અંબાજી મંદિરનો વહીવટ એક સમયે દાંતા સ્ટેટ દ્વારા થતો હતો. અંબાજી તીર્થ સ્થાનને સિદ્ધપીઠ તરીકે પણ ઓળખાય છે. ભક્તો કોઈ માનતા માટે કે અંબા મા પ્રત્યે ભક્તિને અભિવ્યક્ત કરવા અંબાજી મંદિરની ધજા ભક્તો ચઢાવે છે. મંદિરના શિખર પર કુલ 358 સુવર્ણ કલશો છે, જે તેની શોભા વધારે છે. અંબાજી મંદિર સફેદ આરસપહાણ પથ્થરોથી બનેલું છે. અંબાજી મંદિરનો જીર્ણોદ્ધાર 1975માં કરવામાં આવ્યો છે, અને તેના પરિસર વિકાસનું કાર્ય સતત ચાલતું રહે છે. આસો નવરાત્રીમાં ચાચર ચોકમાં ગરબા, હવન અને ભવાઇનું આયોજન થાય છે. અંબાજી ખાતે ભરાતો ભાદરવી પૂનમનો મેળો સમગ્ર દેશમાં જાણીતો છે.
અંબાજી મંદિર સાથે સંકળાયેલી છે દંતકથાઓ અંબાજી મંદિરની સાથે અનેક હિંદુ ધર્મની દંતકથાઓ જોડાયેલી છે. ભાગવત પુરાણમાં અંબાજી સ્થાનકનો ઉલ્લેખ હોવાનો વિદ્વાનો કહે છે. ભાગવત પુરાણ પ્રમાણે પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક યજ્ઞના આયોજનમાં સર્વ દેવતાઓને આમંત્ર્યાં. પણ પોતાના જ જમાઈ શકંરને આમંત્રણ ન આપ્યું. આ કારણે માતા પાર્વતી પિતા દક્ષને પતિને સ્વમાનભેર આમંત્રણ આપવા કહ્યું. પણ દક્ષ રાજાએ ભગવાન શંકર અંગે અપશબ્દો કહ્યાં. આ સાંભળી માતા પાર્વતીએ યજ્ઞકુંડમાં પોતાની આહુતિ આપી. ત્યાર બાદ ભગવાન શંકર પાર્વતીના દેહને સાથે તાંડવ નૃત્ય આરંભ્યુ. જેનાથી સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો. આ હાહાકારને શાંત પાડવા વિષ્ણુ ભગવાને માતા પાર્વતીના શરીરના ટૂકડા કર્યા. જેમાંથી એક માતા પાર્વતીના હ્રદયનો જે ટૂકડો જ્યાં છે એ આરાસુરી શક્તિપીઠ અંબાજીથી જગપ્રસિદ્ધ છે.
ભગવાન રામ અને કૃષ્ણની સાથે પણ છે કનેક્શનઅંબાજી સ્થાનક અંગે એવી લોકવાયકા છે કે, સીતાહરણ બાદ શ્રીરામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલમાં આવ્યાં હતાં. આબુના જંગલમાં શ્રૃંગ ઋષિનો આશ્રમ હતો. શ્રી રામ અને શ્રી લક્ષ્મણને ઋષિ શ્રૃંગે માતા અંબેની આરાધના કરવા કહ્યું હતુ અને સીતાને શોધવા માટે શ્રી રામે ભાઇ લક્ષ્મણ સાથે માતા અંબેની આરાધના કરી. માતા અંબેએ પ્રસન્ન થઈ શ્રી રામ અને લક્ષ્મણને અજય નામે બાણ આપ્યું, જેનાથી રાવણનો વધ શ્રી રામે કર્યો હતો. અંબાજી મંદિર પ્રાચીન મંદિર છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની બાબરી થઇ હોવાની લોકકથા છે. એવું પણ મનાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પત્ની રૂકમણીએ અંબાજી ખાતે માતા અંબેની પૂજા-આરાધના કરી હતી.
દેશના વડાપ્રધાનોએ લીધા છે માતા અંબેના આર્શીવાદ દેશના પૂર્વ વડાપ્રધાન ઈંન્દિરા ગાંધીએ અંબાજી માતાના મંદિરે આવી માતાના આર્શીવાદ લીધા છે. રાજીવ ગાંધીની હત્યાના 15 દિવસ અગાઉ અંબાજી માતાના મંદિરે દર્શને આવ્યા હતાં અને આર્શીવાદ લીધા હતાં. આ ઉપરાંત પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ અંબાજી માતાના દર્શન કર્યા છે. ભાજપના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયીએ પણ અંબા માતાના દર્શન અંબાજી ખાતે કર્યા છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ પણ અંબાજી ધામની મુલાકાત લઇને માતા અંબેના આર્શીવાદ મેળવ્યાં છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે અનેકવાર તેઓ અંબાજી ખાતે મા આરાસુરના આર્શીવાદ મેળવ્યાં છે. દેશના પૂર્વ વડાપ્રધાનો સાથે સુપર સ્ટાર અમિતાભ બચ્ચને મુલાકાત લીધી છે. મોટાભાગના રાજકારણીઓ લોકસભાની ચૂંટણી પહેલાં અંબાજી ખાતે માતા અંબેના આર્શીવાદ લેવાની પરંપરા જાળવે છે.
- PM MODI visited Ambaji temple : વડાપ્રધાન મોદીએ અંબાજીમાં મા ના આશિર્વાદ મેળવ્યા, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત
- PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી ડભોડામાં વિશાળ સભાને સંબોધિત કરી રહ્યા છે...
- PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો