અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની હોસ્પિટલ જાહેર કરાયા બાદ પણ આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી હતી કે, કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યાં છે. હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આ આગ રાત્રે 3:00 વાગે લાગી હતી અને 4.20 એ બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરુષ, ત્રણ મહિલાના મોત થયાં છે અને એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા છે.
PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાજલી પાઠવી
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટનારા કોરોના દર્દીઓના પરિવારોને સાંત્વના આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. PM મોદીએ લખ્યું કે, આ અગ્નિકાંડમાં દાઝેલા તથા ઘાયલ થયેલા ઝડપથી સાજા થઈ જાય. આ અંગે મેં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાતચીત કરી છે. વહીવટીતંત્ર તરફથી તમામ રાહતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને કારણે મોતને ભેટનારા લોકોના પરિવારમાં PM ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે હોસ્પિટલમાં આગને કારણે ઘાયલ થયેલા લોકોને દરેક 50,000 આપવામાં આવશે.