અમદાવાદઃગુજરાતના જાણીતા આર્કિટેક્ટની દુનિયામાં અત્યંત જાણીતું સન્માનીય નામ એટલે બીવી દોશીનું 95 વર્ષની ઉંમરે શ્રીજીચરણ પામ્યા છે. આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ વિશ્વકક્ષાએ જાણીતા આર્કિટેક્ટ લે કોબ્યુઝિયર અને લુઇસ કાહ્ન સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચોPrabha Shah Death : સમાજ સેવક પદ્મશ્રી પ્રભા શાહનું નિધન થતાં દમણ શોકનું મોજું ફરી વળ્યું
આર્કિટેક્ટનાં સૌથી પ્રતિષ્ઠિત 'પ્રિત્ઝકર આર્કિટેક્ટ પ્રાઈઝ' મેળવનારઃબી. વી. દોશીને વર્ષ 2018માં આર્કિટેક્ટના સૌથી પ્રતિષ્ઠિત 'પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ' મેળવી દેશને ગૌરવ અપાવ્યું હતું. તેમને પદ્મભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. IIM અમદાવાદ, અમદાવાદની ગુફા, સેપ્ટ યુનિવર્સિટી સહિત દેશની જાણીતી ઈમારતો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા બાલકૃષ્ણ દોશીના નિધન પર દેશના વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ શોકાંજલિ પાઠવી હતી.
સ્થાપત્ય ક્ષેત્રે મોટી ખોટ પડીઃસ્વ. બી. વી. દોશીએ અમદાવાદના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના અવસાનથી સ્થાપત્ય ક્ષેત્રે બહુ મોટી ખોટ પડી છે. તેમની અંતિમ યાત્રા આજે બપોરે અઢી વાગે નીકળી હતી. તેમ જ થલતેજના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. અંતિમ યાત્રામાં પરિવારજનો, નજીકના સગાસંબધીઓ, મિત્રો અને તેમની સાથે સંકળાયેલા ચાહકો જોડાયા હતા.
ગાંધીનગર અને ચંદીગઢની ડિઝાઈન તૈયાર કરનારઃસ્વ. બી. વી. દોશીએ ગાંધીનગર અને ચંદીગઢ જેવા શહેરની ડિઝાઈન બનાવી હતી. ઉપરાંત અમદાવાદ આઈઆઈએમના આર્કિટેક્ટ હતા. તેમ જ અમદાવાદની ગુફા, ફલેમ યુનિવર્સિટી, IIM ઉદયપુર, IIM બેંગ્લોર, NIFT દિલ્હી, સેપ્ટ યુનિવર્સિટીની ડિઝાઈન કરવામાં યોગદાન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટઃડો. બી.વી. દોશી એક તેજસ્વી આર્કિટેક્ટ અને નોંધપાત્ર સંસ્થાના નિર્માતા હતા. આવનારી પેઢીઓ સમગ્ર ભારતમાં તેમના સમૃદ્ધ કાર્યની પ્રશંસા કરીને તેમની મહાનતાની ઝલક મેળવશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સવેંદના. ઓમ શાંતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વીટ કરીને તેમને સંવેદના પાઠવી હતી.
ગુજરાતના મુખ્યપધાને ટ્વીટ કરીને શોકાજંલિ અર્પણ કરીઃરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાજંલિ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર પ્રાઈઝ વિજેતા, ‘પદ્મભૂષણ’ બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
કોંગ્રેસ પક્ષે શોકાજંલિ પાઠવીઃકોંગ્રેસ પક્ષે પણ બી. વી. દોશીના નિધન અંગે શોકાંજલી પાઠવી હતી. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.