અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે ગુજરાત હાઇકોર્ટમાં મેહુલ પંડ્યા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે આ સમગ્ર મામલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ એલએલબીનો ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ કરે છે ત્યારબાદ તેમને વકીલાતની પ્રેક્ટિસ માટે બાર કાઉન્સિલમાં ફરજિયાતપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. આ પ્રક્રિયાના ભાગરૂપે એનરોલમેન્ટ માટે બાર કાઉન્સેલિંગ ઓફ ગુજરાત દ્વારા ફી વસૂલવામાં આવતી હોય છે. જેમાં 25000 રૂપિયા જનરલ કેટેગરી માટે, 22000 રૂપિયા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફી વસૂલવામાં આવે છે. આ સાથે જ માર્કશીટ વેરિફિકેશનના પણ 2500 અલગથી વસૂલવામાં આવે છે.
કાયદાની કોલેજો પણ આવડી ફી નથી લેતી : જે વિદ્યાર્થીઓ કાયદાનો અભ્યાસ પૂર્ણ કરતા હોય છે તે યુવાનો હજી કમાતા પણ નથી હોતા ત્યારે તેમની પાસેથી આટલી ઉંચી ફી વસૂલવા એ ખૂબ જ અન્યાયી છે. ભારતના બંધારણના આર્ટિકલ 19( 1) હેઠળ ભારતના નાગરિકને કાયદાની મર્યાદા પ્રમાણે કોઈપણ પ્રકારનો વ્યવસાય કરવાની છૂટ આપવામાં આવી છે અને આ એમનો મૂળભૂત અધિકાર પણ છે. જે લોકો કાયદાનો અભ્યાસ કરતા હોય છે એટલી બધી ફી તો કાયદાની કોલેજો પણ ઉઘરાવતી નથી જેટલી ફી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વસૂલે છે.
એનરોલમેન્ટ ફીનો ઉલ્લેખ: આ સાથે જ અરજદારે બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની વેબસાઈટ પર જે એનરોલમેન્ટ ફી મૂકવામાં આવી છે તેનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. ગુજરાતી વેબસાઈટ પર 750 રૂપિયા એનરોલમેન્ટ ફી મૂકવામાં આવી છે.
એક્ટ પ્રમાણે ફી નથી લેવાતી : મહત્વનું છે કે બાર કાઉન્સિલ એડવોકેટ એક્ટ 1961 હેઠળ આ એનરોલમેન્ટ ફી લેતી હોય છે. આ જોગવાઈ પ્રમાણે જોવા જઈએ તો જનરલ કેટેગરીમાં બાર કાઉન્સેલિંગ ઓફ ગુજરાતની માત્ર 600 રૂપિયા ફી થાય અને 150 રૂપિયા બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની ફી થાય. જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 100 રુપિયા બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની ફી થાય અને 25 રૂપિયા માત્ર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ફી થાય છે. ત્યારે હાલમાં આટલી બધી ફી શા માટે વસૂલવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે મુદ્દો : અત્રે મહત્વનું છે કે આ જ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચેલો છે. જેમાં પણ અરજી કરવામાં આવી છે તેમાં રાજ્યની બાર કાઉન્સિલ દ્વારા અલગ અલગ ફી વસૂલવામાં આવે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ઓરિસ્સા દ્વારા 42,100 ગુજરાત દ્વારા 25,000 ઉત્તરાખંડ દ્વારા 23,650 ઝારખંડ દ્વારા 21,640 અને કેરાલા દ્વારા 20,050 ફી વસૂલવામાં આવે છે.
આગામી સુનાવણી 9 ઓગસ્ટે થશે : આ સમગ્ર મામલે ચોક્કસ નક્કર પગલાં લેવામાં આવે તેવી માગ પણ આ અરજીમાં કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નોટિસ પાઠવી છે જેની આગામી સુનાવણી 9 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
- સરકારી વકીલો માટે કરોડોના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
- Goods and Services Tax Council: હાઇકોર્ટમાં વકીલાત કરતાં 20 વકીલોને GST વિભાગ તરફથી રિકવરીની નોટિસો
- કેસ લડવાની વકીલોની ક્ષમતા મુદ્દે હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયા પાસે ખુલાસો માંગ્યો