આ બેઠકમાં ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડીન તથા બોર્ડ ઑફ ગવર્નન્સ સભ્ય ડૉ.સી.એન.પટેલ અને કાઉન્સિલના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ તેમજ સભ્યો તથા સલાહકાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં આ મુદ્દા ઉપર ચર્ચાવિચારણા કરાઈ હતી. બેઠકમાં નોર્થ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન - મહેસાણા, ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિયેશનના સુભાષ શાહ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના રાજ્યભરના વિવિધ શહેરોના ફાર્માસીસ્ટો ભેગાં થયા હતાં. તમામે કાઉન્સિલને લેખિત અને મૌખિક રીતે ઓનલાઈન ફાર્મસીથી ઊભા થનારા સંભવિત જોખમો વિશેના મંતવ્યો રજૂ કર્યા હતા. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ વિશે બેઠકમાં વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
શું છે રણનીતિ?
બેઠકમાં એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ઓનલાઈન ફાર્મસીને મંજૂરી આપવાથી વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે. દવાઓના ઓનલાઈન વેચાણથી દર્દીઓ જાતે જ પોતાની દવાઓ લેતા થશે જેને સેલ્ફ - મેડીકેશન કહેવાય છે. તેનું પ્રમાણ વધશે. દવાની અસરોની જાણકારી ન હોવાથી દર્દીઓના જીવને જોખમ થશે કે દવાઓની આડઅસરોનું પ્રમાણ વધશે. પ્રતિબંધિત દવાઓ પણ આસાનીથી ઓનલાઈન ઉપબ્ધ બનતા તેનો દુરૂપયોગ વધશે. દવાઓના ઓનલાઈન વેચાણમાં વધારો થતાં દેશભરના મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા આશરે 50 લાખ લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. આ બાબતે માનવ અધિકાર પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
બેઠકમાં સર્વસંમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અન્ય રાજ્યોની ફાર્મસી કાઉન્સિલો સાથે સંકલન કરી વિરોધનો વ્યૂહ ઘડી કાઢશે. દિલ્હીમાં યોજવામાં આવેલી બેઠકમાં ફાર્મસી કાઉન્સિલોને બોલાવવામાં આવી ન હતી છતાં ગુજરાત કાઉન્સિલે અગમચેતી રાખીને અગાઉથી મંજૂરી મેળવી મહત્ત્વની ચર્ચામાં ભાગ લીધો અને વિરોધ દર્શાવ્યો તે બદલ રાજ્યના ફાર્માસિસ્ટોએ પ્રમુખ મોન્ટુભાઈ પટેલનો આભાર માન્યો હતો.
રજૂઆતના મુદ્દાઓ
· ઈ-ફાર્મસી વધતાં સમગ્ર ફાર્મસી ઉદ્યોગમાં બેકારી વધશે. નાના મેડિકલ સ્ટોરનું અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બનશે. આ બાબતે માનવ અધિકાર પંચ (Human rights)ની સાથે સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને પણ આ બાબતે ગંભીર રજુઆત કરવા માં આવશે