જવાબદારો સામે પગલાં લેવાની માગ અમદાવાદ : જૂનાગઢમાં ગત મહિને કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં એક જ કુટુંબના ત્રણ સભ્યો ઇમારત નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતાં. જેમાં બે બાળકો અને તેમના પિતાનો સમાવેશ થયો હતો. આ ઘટનાને પગલે પત્નીએ જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવા માટે મેયર અને ડેપ્યુટી મેયરને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં ન આવતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
અરજદારના એડવોકેટ એ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં બિલ્ડીંગ ધરાશાયી થવાનો જે બનાવ બન્યો હતો તેમાં હાલના અરજદારના ભાઈ તેમજ બંને ભત્રીજાઓ એ કાટમાળ હેઠળ દબાઈને મૃત્યુ પામ્યા હતાં. મેયર અને ડેપ્યુટી મેયરને રજૂઆત પણ કરી હતી કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં ન ભરાતા તેમણે જુનાગઢ એસપી અને જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું હતું. કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે પિટિશન ફાઇલ કરી છે. જવાબદારો સામે આઇપીસીની કલમ 304 અને 306 મુજબ ગુનો નોંધવાની રજૂઆત પણ કરવામાં આવી હતી...પ્રશાંત ચાવડા(અરજદારના એડવોકેટ)
મૃતકોના પરિવારજનની રજૂઆત :મૃતકના પરિવારજન વિરાજ ડાભીએ જણાવ્યું હતું કે,જૂનાગઢમાં જે બિલ્ડીંગ ધરાશાયી થઇ તેમાં મારા ભાઈ અને બે ભત્રીજા એ ત્રણેય મૃત્યુ પામ્યા હતાં. એ બિલ્ડીંગને ઘણા સમયથી નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા મારા ભાઈ અને મારા બે ભત્રીજા કોર્પોરેશનની બેદરકારીના લીધે મૃત્યુ પામ્યા હતાં. આ બનાવના બે દિવસમાં જ મારા ભાભીએ પણ એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. કારણ કે એમણે ન્યાય માટે રજૂઆત કરી હોવા છતાં પણ તેમને ન્યાય મળ્યો ન હતો.
કમિશનર, ટીડીઓ સહિત જવાબદારોને સજાની માગ : આ સાથે જ અમે જૂનાગઢ એસપી અને કલેક્ટરને પણ રજૂઆત કરી હતી કે, આમાં જે પણ જવાબદાર હોય તેમાં કમિશનર, ટીડીઓ સહિત વ્યક્તિઓને સજા મળે. પરંતુ હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે અમે હાઇકોર્ટમાં આવ્યા છીએ. અમારા ઘરની જે પરિસ્થિતિ થઈ છે તેવી બીજાના ઘરે ન થાય એ માટે જવાબદારીઓને સજા મળે એ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
- Junagadh News : જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા
- Junagadh Building Collapse: જૂનાગઢમાં 3 માળનું મકાન ધરાશાયી થતા, એકજ પરિવારના 3 લોકો સહિત 4 લોકોના નિપજ્યા મોત
- Junagadh Building Collapse : શું જુનાગઢ મનપા પાસે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર નથી ?