અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના શૂટિંગો શરૂ કરવા વિશે વાત કરતા જાણીતા નિર્માતા, દિગ્દર્શક અભિલાશ ઘોડા જણાવે છે કે, રવિવારે રાત્રે મુખ્ય પ્રધાન રૂપાણીના અગ્રસચિવ અશ્વીનિકુમારને ગુજરાતમાં ફિલ્મો, ટેલિવિઝન અને ખાસ કરીને મ્યૂઝિક આલ્બમના શૂટિંગ શરૂ કરવા માટે મારા અને કલાકાર તથા ધારાસભ્ય હીતુ કનોડિયા દ્વારા એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી હતી. જેમાં એવું પણ કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકાર ચોક્કસ ગાઈડલાઈન નક્કી કરી અને આવા શૂટિંગ શરૂ કરવા માટે મંજૂરી આપે. ત્યારે અગ્ર સચિવ સાથે ટેલિફોનિક ચર્ચા થતા તેમણે ગુજરાતમાં ૩ જુનથી ગુજરાતી ફિલ્મો, ટેલિવિઝન શો, મ્યૂઝિક આલ્બમ, દસ્તાવેજી ચિત્ર, એડ ફિલ્મ, વેડિંગ શુટ તથા અન્ય શૂટિંગો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
કલા જગત માટે આનંદના સમાચાર, 3 જૂનથી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાની મંજૂરી - અમદાવાદ
કોરોના વચ્ચે મહારાષ્ટ્રમાં ફિલ્મોના શૂટિંગ શરૂ થઈ ગયા છે. ત્યારે 3 જૂનથી ગુજરાતી ફિલ્મો, ટેલિવિઝન શો, મ્યૂઝિક આલ્બમ, દસ્તાવેજી ચિત્ર, એડ ફિલ્મ, વેડિંગ શુટ તથા અન્ય શૂટિંગો શરૂ કરવાની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે.
રાજ્યમાં શૂટિંગ માટે ચોક્કસ ગાઇડલાઇન્સનો અમલ કરવાનો રહેશે. જેમાં સોશિયલ ડીસ્ટન્સ, માસ્કનો ઉપયોગ, ટેમ્પરેચર ગનનો ઉપયોગ, આ બધી જ બાબતમાં તકેદારી રાખવાની રહેશે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શૂટિંગ થઇ શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં રહેતા કલાકારો અને કસબીઓ મેડીકલ ચેકઅપ કરાવ્યા પછી જ શૂટિંગમાં જોડાઈ શકશે. જ્યાં પણ શૂટિંગ થાય ત્યા જે તે જગ્યાના ઓથોરિટીની મંજૂરી લેવી ખુબ જરૂરી છે. આ સિવાય એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ ગ્રાઉન્ડ મોનીટરીંગ ટિમ તૈયાર કરવાનું પણ અગ્રસચિવએ સૂચન કર્યું છે.