રસ્તાની હાલતમાં ખાસ સુધારો દેખાતો નથી તો સતત વધતા જતા ટ્રાફિક પર અંકુશ મુકવા ટીપી રોડને દબાણ મુક્ત કરવા સહિતની કામગીરી લાંબા સમયથી ઠપ થઇ છે. ઢોર પકડવાની કામગીરીમાં પણ સુસ્તી આવતા રસ્તા પર ફરીથી ઢોરનો ત્રાસ વધ્યો છે.
અમદાવાદના રસ્તાઓ ઉપર રખડતા પશુઓથી પ્રજા પરેશાન - રખડતા પશુ
અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓના બિસમાર રસ્તા, ટ્રાફિક નિયમન ઉપરાંત રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટે કાન આમળ્યા હતા. જેના કારણે તંત્રને હાઇકોર્ટ સમક્ષ શહેરને રખડતા ઢોરના ત્રાસથી મુક્ત કરવાની બાંયધરી આપવી પડી હતી, પરંતુ અન્ય મામલાઓની જેમ આમાં પણ સમય જતાં સત્તાવાળાઓ નિષ્ક્રિય બન્યા છે.
શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનાર મ્યુનિસિપલ સત્તાધીશોનો ગત ઓગસ્ટ 2017થી હાઇકોર્ટ દ્વારા બિસમાર રસ્તા, ટ્રાફિક જામની સમસ્યા અને રખડતા ઢોરના મામલે વારંવાર ઊધડો લેવાયો હતો. આ સંદર્ભે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં જસ્ટિસ એમ.આર.શાહની બેન્ચ દ્વારા તંત્રને રખડતા ઢોરના મામલે નક્કર કામગીરી કરવાનો આદેશ અપાયો હતો. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે રોજનાં 100 ઢોર પકડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. તે વખતે ઝોનદીઠ બે પ્રમાણે બાર ટીમને કાર્યરત કરાઇ હતી. તેમજ શહેરમાં ‘ઓપરેશન રાઉન્ડ ધી ક્લોક’ કામગીરી દ્વારા ‘કેટલ ફ્રી અમદાવાદ’ની જાહેરાત કરાઇ હતી.
જોકે છેલ્લા પાંચ મહિનાથી તંત્રમાં સુસ્તી છવાઇ છે. હવે દિવસભર માંડ 40 ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરાઇ રહ્યાં છે. ગત 2 ઓગસ્ટ 2018થી દંડની જોગવાઇમાં 200 ટકા જેટલો જબ્બર વધારો કરાયા બાદ પણ અનેક વિસ્તારમાં પશુપાલકો પોતાના ઢોરને રસ્તા પર નિરંકુશપણે છોડી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં ગત 1 થી 15 એપ્રિલ 2019 સુધીમાં તંત્રે કુલ 583 ઢોરને પકડ્યા હતા. એટલે કે દરરોજના ફકત 38 ઢોર પકડાયાં હતાં. જો કે, અગાઉની જેમ હવે 12 ટીમના બદલે માત્ર ત્રણ ટીમ કાર્યરત છે. આ ટીમ પણ બે શિફ્ટમાં કામ કરી રહી છે. રખડતાં ઢોર પકડવાની કામગીરી અસરકારક રહી નથી. સાત ઝોનમાં ઢોર પકડવા માટે માત્ર એક જ ટ્રેકટર ટ્રોલી ફાળવાઇ છે .તેમાં 6થી 8 ઢોરનો સમાવેશ થઇ શકતો હોઇ શહેરીજનો રખડતા ઢોરના ત્રાસથી ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે.