અમદાવાદઃ કોરોના વાઇરસના આ કપરા કાળમાં જ્યારે બે મહિના લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે મજૂર વર્ગ પાસે કામ ધંધો નહોતો. તેની આવક બંધ થઇ ચૂકી હતી. ત્યારે સેવાભાવી લોકોના સહારે તેમનું ઘર ચાલતું હતું. હવે જ્યારે લોકડાઉન ઉપાડી લેવાયુ છે.તેમ છતાં મજૂર વર્ગ પાસે કામ નથી. ત્યારે આવા સંકટના સમયે ગરીબ વ્યક્તિઓને રાશન મળી રહે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સરકારી દુકાનેથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે.
આંબાવાડીની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકારી દુકાન પર લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, સરકાર રેશન વિતરણની મોટી જાહેરાતો કરીને પ્રસિદ્ધિ કમાઈ લે છે. પરંતુ દુકાનદારો ગ્રાહકોને પૂરતું અનાજ આપે છે કે નહીં ? દુકાનદારોને પૂરતો સ્ટોક મળે છે કે નહીં ? રેશનના લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે છે કે નહીં ? તે પ્રશ્નોને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે. કોઈપણ પ્રકારની મોનીટરીંગ વ્યવસ્થા કે સુપરવાઈઝરની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે ફરિયાદો ઉઠી છે કે,દુકાનદારો દ્વારા મોટાપાયે સરકારી અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચરવામાં આવે છે. ગરીબ લોકો પાસેથી અનાજ માટે લાંચના પૈસા પણ વસૂલ કરવામાં આવે છે. પરંતુ બધે જ સરકાર અને પોલીસ આંખ આડા કાન કરી રહ્યાં છે.
આંબાવાડીની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકારી દુકાન પર લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો આજે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર ખાતે પણ આવી જ એક ઘટના બની. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે લોકો વિનામૂલ્યે અનાજ લેવા વહેલી સવારે છ વાગ્યાથી લાઈનમાં ઉભાં હતાં. પરંતુ અનાજ લેવા માટે તેમની પાસેથી વ્યક્તિ દીઠ 50 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જેને લઇને લોકોએ હોબાળો કર્યો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસની ગાડી ઘટનાસ્થળે આવી હતી. હોબાળો જોઈને દુકાનદારે પણ દુકાન બંધ કરી દીધી હતી. જ્યારે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે, રેશન લેવા આવનાર લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં નહોતા.તેના લીધે દુકાન બંધ કરાઈ છે.પરંતુ એવું જ હોય તો પોલીસ આવીને સોશિયલ ડિસ્ટન્સ કરવી શકતી હતી. પરંતુ પોલીસે તેવું પગલું ભર્યું નથી. ત્યારે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. પોલીસ પણ પ્રજા સમક્ષ સાચું કારણ છુપાવી રહી છે. ત્યારે એવો ઘાટ સર્જાયો છે કે, ભ્રષ્ટાચારના ભોરિંગે ગરીબ લોકો પાસેથી અનાજ પણ છીનવી લીધું છે.